આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વારસ
૧૭૧
 

જબાપ આ દલસુખભાઈને !’

‘દઈ દે જબાપ !’ હાદા પટેલ પણ બોલ્યા, તેથી સહુને નવાઈ લાગી.

‘નીકર અમે સમજશું કે ગુંદાસરમાં કોઈ પાણિયાળો છે નહિ !’ વેરસીએ વચમાં ટમકો મૂક્યો.

‘હવે જરાક ધીરો ખમ્ય ને ? અબઘડીએ જ દેખાડી દઉં છું ગામનું પાણી !’ કહીને મુખીએ હવે હાદા પટેલને આગ્રહ કર્યો કે પુત્રને સમજાવો.

પિતાના ચિત્તમાં જુદી જ પ્રક્રિયા ચાલી રહી હતી. તેઓ આજના પ્રસંગમાં દેવશી અને ગોબર વચ્ચેની સળંગસૂત્રતા નિહાળી રહ્યા હતા. ગિરનારનું પ્રસ્થાન જાણે કે અનેકાનેક સંભારણાંઓ, ભાવનાઓ અને આશા–ઓરતાઓ વચ્ચેની એક કડી બનતું હતું.

‘ગોબર ! તારે રમવા જાવું પડશે. જા, વીંટી લે માથે ફેંટો. આ બહાને અંબામાને જુવારતો આવ્ય, જા !’ પિતાએ આદેશ આપી દીધો. . અને અંબામાને જુવારતા આવવાની સૂચના સાચે જ, હાદા પટેલ, ઘડીભર ખિન્ન થઈ ગયા. દેવશી ગયો તે દિવસથી ઊજમે માનેલી અંબામાની માનતા યાદ આવી ગઈ...

આજે દેવશી પાછો આવ્યો હોત તો ઉઘાડે પગે અંબામાને છતર ચડાવવાનો યોગ થયો હોત; ઊજમે ધામધૂમથી બારબાર વરસની બાધા છોડી હોત. પણ કમનસીબે આજે જુદે જ નિમિત્તે ગોબર ગિરનાર ચડશે.

પણ આ વિષાદયોગમાંથી તુરત મુક્ત થઈને હાદા પટેલે કહ્યું :

‘દીકરા ! આ દલસુખભાઈ તો આપણા ગામના મહેમાન ગણાય. અમરગઢથી હોંશે હોંશે આંઈ રમવા આવ્યા છે તો એને રમાડવા જોઈએ. અંબામાના મંદિરને પગથિયે નાળિયેર વધેરવાની એને હુબ થઈ છે, તો હવે ના ન ભણાય. હાલો ઝટ, હવે કેટલા ઘાયે નાળિયેર નાખવું એનો આંકડો બોલવા માંડો !’