આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વારસ
૧૭૩
 

 સંતુને ઘડીભર થયું કે ગોબરને બોલતા અટકાવું, શરતમાં ઊતરવાની જ ના કહું...પણ એ પહેલાં તો આખું ય હાલરું ડેલી બહાર નીકળી ગયું હતું.

ગિધાને હાટે જઈને રમનારાઓએ સામસામી ‘બીટ’ બોલવા માંડી. દલસુખ વતી વેરસીએ પાંચ હજાર ઘા માગ્યા; ગોબરે તરત જ ગણતરી કરીને ચાર હજાર માગ્યા. પછી સામસામો ઉતારો ચાલ્યો. ગોબરનો આત્મવિશ્વાસ જોઈને વેરસી નહિ પણ દલસુખ ડગી ગયો; એણે વેરસીને ઈશારો કરી દીધો કે હવે વધારે ઉતારો કરવામાં માલ નથી, આ રમત જીતી શકાય એમ નથી.

તુરત મુખીએ ગોબરને હિંમત આપી : ‘ગભરાજે મા, હારજીત ગામને માથે છે. પાંચ ઘા ઘટાડવા પડે તો ઘટાડજે, પણ રમવું છે તો આપણે જ.’

ગોબરે અઢી હજાર ઘાનો પ્રસ્તાવ મૂક્યો કે તુરત વેરસી મૂંગો થઈ ગયો. દલસુખ બોલી ઊઠ્યો : ‘દીધી, દીધી.’

અને તુરત તૈયારીઓ શરૂ થઈ. નાળિયેરના ઢગલા થયા. નાસ્તાનો બંદોબસ્ત થતાં લગભગ પરોઢ થવા આવ્યું. ‘હવે તો શિરામણ કરીને જ નીકળીએ,’ એવો મુખીએ પ્રસ્તાવ મૂકતાં ગામમાંથી બીજા માણસો પણ ગિરનાર ચડવા તૈયાર થયા. હાર−જીતનું જોખમ પણ મોટું હતું : જે પક્ષ હારે એણે આ શરતનું નાળિયેર–નાસ્તાનું તમામ ખર્ચ તથા ગોંદરે એકસો એક રૂપિયાનું ઘાસ નાખવાનું હતું. દલસુખને ખાતરી હતી કે ગોબર હારશે; ગોબર અને મુખીને શ્રદ્ધા હતી કે ‘અમે જીતીશું’.

હાદા પટેલની છાતી ગજ ગજ ફૂલતી હતી. અત્યારે જાણે કે દેવશી જ રમવા જઈ રહ્યો હોય એ આહ્‌લાદ તેઓ અનુભવી રહ્યા હતા.

વહેલી પરોઢે લાવલશ્કર ગામના પાદરમાં એકઠું થયું ને ગોબરે ગિરનારની દિશામાં નાળિયેરનો પહેલો ઘા ફેંક્યો.


*