હોલાં-પારેવાં પાડતાં શીખી ગયેલો, અને આ નિશાનબાજીમાં એણે પ્રગતિ પણ ઝડપભેર કરી નાખેલી. એની ગોફણમાંનો કાંકરો પક્ષીઓને વીંધવાને બદલે ક્વચિત જુવાન પાણિયારીનાં બેડાં ઉપર પણ જઈ પડતો, અને બદલામાં એ જોરૂકા હાથની બેચાર અડબોથ પણ ખાઈ બેસતો. નિશાનબાજ રઘો ધીમે ધીમે ગરાસિયા ભાઈબંધોની મદદથી હોલાં-પારેવાંમાંથી પ્રગતિ કરીને સસલાં ગૂડતો થઈ ગયેલો; અને આ કામમાં એ હોશિયાર તો એવો કે પોતે કરેલા શિકારના અવશેષોને પણ એ ગામલોકોની નજરે ચડવા દેતો નહિ... સીમમાં ને સીમમાં આ તોફાની ટોળી પોતાનાં શિકારને શેકીને આરોગી જતી. અને એમાં જ એક વાર રઘાની કમબખ્તી બેઠેલી. ગામના અગ્રણી વિપ્રો ઉપરગામડે ચોરાસી જમવા ગયેલા. પાછા વળતાં એમણે ગુંદાસરની સીમમાં એક નેળ તળે, ભરઉનાળે તાપણું જોયું અને તપાસ કરી તો રઘો અને એના ભાઈબંધો તાજા જ વધેરેલા સસલાની જ્યાફત ઉડાવતા હતા ! સ્ત્રી વર્ગમાં ‘રોયા રઘલા’નું બિરુદ પામેલો અને ગામ આખામાં ‘ભારાડી રઘલા’ તરીકે જાણીતા થયેલો આ બ્રહ્મપુત્ર તે દિવસથી નાત બહાર બન્યો. નાતમાંથી એ નીકળી ગયો એટલું જ નહિ, ગામ આખામાં એ લગભગ બહિષ્કૃત બની ગયો. પણ આવા બહિષ્કારથી નાસીપાસ થાય તો એ રઘો શાનો ? એણે જાણે કે ગામ ઉપર વેર વાળવા જ એક સુથારણને ભોળવી અને એને આફ્રિકા ભગાડી ગયો. પૂરાં વીસ વર્ષ સુધી એ આફ્રિકાનાં જંગલોમાં વસ્યો. વાતો આવતી કે રઘો હીરામાણેકની ખાણમાં કામ કરે છે, ઊડતા વાવડ સંભળાતા કે રઘો સીદી ગુલામના વેપારમાં દલાલુ કરે છે. બે દાયકા સુધી રઘાએ ત્યાં શું કર્યું, પેલી સુથારણનું શું થયું, એ બધી જ વાતો આજ સુધી ગોપિત જ રહેવા પામી છે. પણ જુવાની વીતી ગયા પછી જતી જિંદગીએ એને ગુંદાસરની સીમ સાંભરી અને એ પાછો આવ્યો, અને પાછા આવીને એણે ગામના ચોકમાં જ ‘અંબાભવાની’
પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૯
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મૃત્યુનું જીવન
૭