આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આડો ઘા
૧૮૫
 

 હવે તો ડુંગર ઊતરી પાછા વળતાં જે વાર લાગે એટલી વાર... ગોબર જીત્યો હશે કે હાર્યો હશે ? શાપરથી નીકળ્યા ત્યારે તો આતા કહેતા હતા એમ ચાક ઉપર પિંડો હતો; એમાંથી શું ઊતરે એ કાંઈ કહી શકાય નહિ. ગોબર જીતે તો તે એને વાજતેગાજતે ગામમાં લઈ આવવાની મુખીએ વાત કરી હતી... પણ એના વિજયની ક્યારે ખબર પડે ?

સંતુની આ ઈંતેજારી હાદા પટેલ પારખી ગયા હશે તેથી કે પછી કેવળ સાંત્વન આપવા ખાતર, પણ દોણે મેળવણ નખાયા પછી ફળિયામાં ખાટલો ઢાળતાં ઢાળતાં એમણે કહ્યું :

‘કાલ્ય સાંતી છૂટવા ટાણે સહુ પાછા આવી પૂછશે એમ લાગે છે. આજની રાત્ય તો થાક્યાપાક્યા તળાટીમાં જ પડ્યા રહેશે. પ્રાગડ વાવા ટાણે પાછા વળે તો રોટલા ટાણે, નહિ તો રોંઢા ટાણે તો આવી જ પૂગશે.’

પણ સંતુને તો વળતા દિવસનું એ રોંઢાટાણું થાય શી રીતે ? એ તો આગલી રાતની જેમ આજે પણ જાગતી રહી. મોડી રાતે ઊજમની ધાંસ શમી ગઈ; શેરી બહાર ડાઘિયો કૂતરો ભસતો બંધ થઈ ગયો; હાદા પટેલે નસકોરાં ઘરડવા માંડ્યાં; તો પણ સંતુ તો જાગતી જ રહી.

મધરાતે ગજર ભાંગવા ટાણે જ ડેલી બહાર એક ગાડું ખખડભભડ અવાજ કરતું નીકળ્યું, અને ઠુમરની ખડકી સામે જ આવીને ઊભું રહ્યું.

સંતુ સફાળી ઊભી થઈ ગઈ.

‘હાદાબાપા !’ બહારથી બૂમ પડી.

એક જ સાદે હોંકારો દેનાર જાગતલ હાદા પટેલે પૂછ્યું :

‘કોણે બરક્યો ?’

‘ઈ તો હું છું. જુસ્બો... હું જુસ્બો ઘાંચી, બાપા !’

હાદા પટેલે ખડકી ઉઘાડતાં પૂછ્યું : ‘આટલો અહૂરો કાંઈ ?’