આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨
લીલુડી ધરતી
 


માતા જોડે બહાર નીકળી ત્યારે આગ ઓલવવા ને જોવા આવેલા માણસોમાંથી કેટલીક ચકોર નજરો એ યુવતીના શરીર પર નોંધાઈ રહી.

જીવતીને શહેરને દવાખાને લઈ જવા નીકળેલું ગાડું અરધે મારગથી જ પાછું વાળવું પડ્યું. દવાખાને પહોંચતાં પહેલાં જ એનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

એકઢાળિયામાં લાગેલી આગ તો પરોઢ થતાં સુધીમાં ઓલવઈ શકી, પણ માંડણિયાના દિલમાં પ્રગટેલી પશ્ચાત્તાપની આગ ઉત્તરોત્તર વધારે પ્રજ્વળી રહી. જીવતીનું મૃત્યુ ‘આપધાતને કેસ’ ગણીને કાસમ પસાયતાએ શાપરથી શંકરભાઈ ફોજદારને તેડાવ્યા. ફોજદારે વળતો આખો દિવસ લાડુ જમવામાં અને પંચક્યાસ કરવામાં કાઢી નાખીને અને સારા પ્રમાણમાં ‘નૈવેદ્ય’ માગીને છેક મોડી સાંજે લાશની અંત્યેષ્ટીક્રિયા કરવાની રજા આપી. છેક મોડી રાતે પત્નીની દહનવિધિ પતી ગયા પછી માંડણ ફળિયામાં ખાટલા પર આડે પડખે પડ્યો હતો ત્યારે જીવતીની આત્મહત્યા અંગેના પશ્ચાત્તાપ વડે દ્રવી રહેલા એના ચિત્તમાં અચાનક ચંચળતાએ પ્રવેશ કર્યો. પોતાના ઠૂંઠા હાથ તરફ તાકી રહીને એ વિચારવા લાગ્યો ‘ગોબરનો ઘા મેં આડેથી ન ઝીલ્યો હોત તો ? વેરસીડાનો જમૈયો એની છાતીમાં પરોવાઈ જવા દીધો હો તો ?... આજે મારગમાંથી ગોબરનો કાંટો નીકળી ગયો હોત, ને એની સંતુ...’

*