આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અને વાજાંવાળા ગયા
૨૧૫
 

 મોઢા ઉપર ઉદ્વેગની રેખાઓ ઊપસી આવી.

છોકરાઓ, રઘાની સૂચના પ્રમાણે, ગિધાને ‘ગમે’ એવું ગીત મોટે સાદે ગાઈ રહ્યા :

“નાનપણમાં કોઈનાં માતાપિતા મરશો નહિ....”

ગિધો આ કરુણ ગીતથી દ્રવિત થયો કે પછી રઘાની કરડાકીથી ગભરાઈ ગયો એ તો જાણે, પણ સવારના પહોરમાં આ વણનોતર્યા અતિથિઓની બલા ટાળવા એણે ઈસ્કોતરો ઉઘાડ્યો ને રઘાને રાજી કરીને સહુને વિદાય કર્યા.

 ***

દુકાને દુકાને રઘો આ અનાથો માટે નાણાં ઉઘરાવતો રહ્યો. પણ હવે એની ચાલ કોણ જાણે કેમ, ધીમી પડી ગઈ. ‘આપો, દયા કરીને આપો ! બચાડાં માવતર વિનાનાં છોકરાં છે.’ એવું એવું બોલતી વેળા જાણે કે એનો કંઠ રૂંધાતો હતો. કોઈ કોઈ વાર તો નાણાં માટેની દર્દભરી વિનતિઓ અને આગ્રહ કરવા જતાં એની આંખમાં ઝળઝળિયાં આવી જતાં હતાં. એ જોઈને તો કેટલાક વેપારીઓને પણ નવાઈ લાગતી હતી : બહારથી કઠણ કાળજાવાળો ને કરડો દેખાતો રઘો અંદરથી આટલો પોચો છે ?

અનાથાશ્રમવાળાઓની મૂળ યોજના તો ગુંદાસરમાં અરધો દિવસ રહીને બાજુને ગામ ઉઘરાણું કરવા જવાની હતી, પણ રઘાએ આ મોંઘેરા મહેમાનોને આગ્રહ કરીને રોકી પાડ્યા. ‘અંબાભવાની’ના સાંકડા મેડા ઉપર તો આ આખી મંડળીનો સમાવેશ થઈ શકે એમ નહોતો, તેથી એણે ભૂતેશ્વરની જગ્યામાં એમના ઉતારાની વ્યવસ્થા કરી આપી.

ભૂતેશ્વરના મહંત જોડે રઘાને અનેક કારણોસર સારી ભાઈબંધી હતી તેથી ઈશ્વરગિરિએ આ અનાથોનું ઉમળકાભેર આતિથ્ય કર્યું. અલબત્ત, ઈશ્વરગિરિને પણ જરા આશ્ચર્ય તો થયું કે રઘા મહારાજ અત્યારે હૉટેલનો થડો છોડીને આ છોકરા પાછળ શા