આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૦
લીલુડી ધરતી
 

 જેવું આંસુ તગતગતું હતું.

 ***

એક માતૃહૃદયની સઘળી વેદનાને હૃદયમાં વાગોળતા હાદા પટેલ ઘેર આવ્યા ત્યારે ગોબરે પૂછ્યું : ‘ક્યાં હતા અટાણ લગી ?’

‘કીડિયારું પૂરીને ભૂતેશ્વર ગયો’તો. મહંત હાર્યે વાતુંએ ચડી ગ્યો એમાં અહૂરું થઈ ગયું.’

સમજુબાએ ઠાલવેલી વ્યથાની કથા એટલી તો પવિત્ર હતી કે ઘરમાં સગા દીકરાને કાને પણ એ વાત નાખવામાં હાદા પટેલ પાપ સમજતા હતા.

આખી રાત એમની નજર સામે ઠકરાણાની કારુણ્યમૂર્તિ અને એમની આંખમાં ઝબકી ગયેલાં આંસુ તરવરતાં રહ્યાં.

છેક વહેલી પરોઢે પાંપણ ભારે થઈ અને સહેજ ઝોકું આવ્યું ત્યાં તો ખડકી બહાર કમાડની સાંકળ ખખડી. અને હાદા પટેલ ઝબકી ગયા. ક્ષણ વાર તો મનમાં થયું કે ધનિયો ગોવાળ આવી પહોંચ્યો કે શું ? હું આટલું બધું ઊંઘી રહ્યો કે ગોવાળ ઢોર છોડવા આવ્યો તો ય મારી ઊંઘ ઊડી નહિ ! પણ તુરત આકાશમાં ઝબકતાં તારોડિયાં જોઈને થયું કે હજી મોસૂઝણું થવાને ય સારી વાર છે.

હાદા પટેલે ખડકી ઉઘાડી તો બહારથી બીજું કોઈ નહિ ને રઘો મહારાજ જ બિલ્લીપગલે ડેલીમાં દાખલ થયો, અને કશી ઔપચારિક વિધિની રાહ જોયા વિના જ હાદા પટેલના ખાટલા પર બેસી ગયો.

બહારગામ ગયેલે રઘો સીધો જ ઠુમરની ખડકીમાં આવ્યો હતો. ‘અંબા ભવાની’ પર જઈને હૉટલના શા હાલ છે એ જોવાની, વકરો ગણવાની કે છનિયાએ કેટલાં કાવડિયાં નેફે ચડાવ્યાં છે એની તપાસ કરવાની ય અત્યારે એને ફુરસદ નહોતી. એના કોઠામાં ધમણ જેવી હાંફ ચડી હતી એ જોઈને ખુદ હાદા પટેલને ય નવાઈ લાગી.