આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છત્તર ઝૂલ્યાં
૨૩૩
 

 શોભે એની કલ્પના પણ કરી જોઈ અને પછી કહ્યું :

‘આ તો તૈયાર જ છે ને શું ! બોલો, શું ભાવ ?’

‘આ વેચવાનું નથી.’

‘વેચવાનું નથી તો શું સંઘરી રાખવાનું છે ? આથો કરવા સારુ રાખી મુક્યું છે ?’

‘આ તો ઘરાકનું છે. વરધી હતી એટલે ઘડવું પડ્યું.’

નથુને મોઢેથી સરી ગયેલા આ સમાચાર રઘા માટે બહુ રસપ્રદ હતા. ગુંદાસરમાં મારા ઉપરાંત પણ કોઈક વ્યક્તિ ચાંદીનું છત્તર ઘડાવી રહી છે ખરી, એ જાણીને રઘાને કુતૂહલ પણ થયું.

‘આ કોણે ઘડાવ્યું છે ?’

'હોઈ કોઈ શરધાળુ માણસ. કોઈને કાંઈ માનતા હોય, કાંઈ બાધાઆખડી હોય...’

છત્તરના કદ તથા કારીગીરી પરથી રઘો કલ્પી રહ્યો કે આનો ઘડાવનાર કોઈ ખમતીધર આસામી જ હોવો જોઈએ. આવી મોંઘવારીમાં દેવદેવલાંને ચડાવવા સારુ આવું મોંઘું છત્તર ઘડાવવાનું કોઈ મામૂલી માણસનું તો ગજું જ નહિ.

અને પછી તો ઉસ્તાદ રઘાએ નથુને આડીઅવળી વાતોએ ચડાવીને આખરે જાણી જ લીધું કે ઠકરાણાં સમજુબાએ આ છત્તર ખાસ વરધી આપીને ઘડાવ્યું છે, ને આજે સાંજે જ પંચાણ ભાભો એ લેવા આવવાનો છે.

રણવાસની રજેરજ બાતમીથી વાકેફ રહેનાર રઘા માટે આ સમાચાર જેટલા નવીન હતા એટલા જ સૂચક પણ હતા.

બિચારો રઘો ! એને શાની ખબર હોય કે જે રીતે પોતે હાદા પટેલ સમક્ષ જઈને પોતાના સંભવિત પુત્રસુખ વિશે પૃચ્છા કરી આવેલો, એ જ રીતે ઠકરાણાંએ પણ ગુપ્ત રીતે હાદા પટેલ સમક્ષ એ જ પ્રકારની પૃચ્છા કરી હતી ?

અને રઘાને પણ ક્યાંથી ખબર હોય કે હાદા પટેલે સતીમાને