આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૮
લીલુડી ધરતી
 


અને એ માટે બીજું કોઈ નહિ પણ પડખેના જ ટીંબાવાળો સામત આયર જવાબદાર છે. હમણાં હમણાં સામત આયરની આવજા ઓછી થઈ ગઈ હતી એ ઘટનાને પણ લોકો પોતાની શંકાના સમર્થનરૂપે જ ટાંકતાં હતાં. આવા સંજોગોમાં છત્તર ઘડાવવાના મસે નથુની હાટે ઊઠબેસ કરતા રઘાની વર્તણૂક પણ લોકોને વિચિત્ર લાગે એમાં શી નવાઈ ? એ તો સારું થયું કે નથુએ રાતે પણ દીવીઓ બાળીબાળીને રઘા માટેનું છત્તર વાયદા કરતાં ય વહેલેરું ઘડી નાખ્યું અને પરિણામે રઘાની આવજા બંધ થઈ ગઈ. નહિતર એમાંથી વળી કોઈક નવો ફણગો ફૂટ્યો હોત !

સતીમાના થાનકમાં એક નવું નકોર છત્તર ઝૂલે છે એ વાતની તો જોતજોતામાં અરધા ગામને જાણ થઈ ગઈ. ખુદ સંતુએ પહેલવહેલું એ છત્તર જોયું ત્યારે એને આનંદ સાથે આશ્ચર્ય થયેલું. કોણ ચડાવી ગયું હશે ? કોણે માનતા માની હશે ? કોની માનતા ફળી હશે ? શાની એ માનતા હશે ?... સંતુના મનમાં એકસામટા પ્રશ્નો ઊઠેલા. એ પ્રશ્નોના ઉત્તર મેળવવા એણે ઊજમને પૂછી જોયું, ગોબરને પૂછી જોયું, પણ કોઈને કશી માહિતી નહોતી. સમજુબાએ દાણા ગણાવેલા એ વાત હાદા પટેલે પોતે જ આપેલા કોલ અનુસાર અત્યંત ગુપ્ત રાખેલી અને ઠકરાંણાએ છત્તર ચડાવ્યું એ ઘટના તો નથુ સોની અને પંચાણભાભા સિવાય બીજુ કોઈ જાણતું જ નહોતું. તેથી સંતુનું કુતૂહલ કેમેય કર્યું સંતોષાય એમ નહોતું.

સતીમાના થાનકની માનતા મુખ્યત્વે તો સંતાનપ્રાપ્તિ અર્થે થતી. માત્ર ગુંદાસરમાં જ નહિ પણ આખાય પંથકમાં આ દેવસ્થાનની ખ્યાતિ હતી, અને દૂરદૂરથી લોકો માનતા છોડવા આવતાં. માતા સમક્ષ અનેક પ્રકારનાં નૈવેદ્યો ધરાતાં અને છત્તર તો આજ સુધીમાં એટલાં બધાં ચડી ચૂક્યાં હતાં કે મૂર્તિનું ફળ નાનું ને છત્તર ઝાઝાં થઈ પડતાં. હવે એ સાંકડી દહેરીમાં સમાતાં પણ નહોતાં.

સતીમાના થાનકની બીજી એક માનતા બાળકોની મોટી ઉધરસ