આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છત્તર ઝુલ્યાં
૨૪૧
 

 તેથી એને તો એક જ શંકા આવ્યા કરતી હતી. શાદૂળિયે સંતુને આંતરી હશે ને રોકી હશે... સંતુ એને શી રીતે સમજાવે કે ગઢની ડેલીએ શાદૂળનાં તો મને દર્શન પણ નથી થયાં, અને સમજુબા જોડે જ હું વાત કરવા રોકાઈ હતી. સતીમાના થાનક ઉપર ચડેલું નવું છત્તર સમજુબાનું છે અને એ મસે જ અમે વાતો કરતાં હતાં, એવો સંતુએ કરેલો સ્ફોટ ઊજમને કોઈ રીતે ગળે ઊતરે એમ નહોતો. ઊલટાનો એના મનમાં સંશય વધારે ઘેરો બની રહ્યો : સમજુબા શા માટે છત્તર ચડાવે ? અને એની વાત વળી સંતુને મોઢે શા માટે કરે ?

આવા સંશયઘેર્યા વાતાવરણમાં જ થાનક ઉપર એક વધારે છત્તર ચડ્યું. અલબત્ત, આ નવા છત્તર અંગે કશી ગુપ્તતા જાળવવામાં આવી નહોતી. રઘાએ સરેધાર ભૂતેશ્વરની જગ્યામાં રુદ્રી ભણાવીને અને બ્રાહ્મણો જમાડીને આ છત્તર ચડાવ્યું હતું.

બીજે જ દિવસે રઘાએ જાહેર કરી દીધું કે, મારા દૂરના એક નાતીલા સગાના દીકરાને ખોળે બેસાડું છું.

ગામ આખાએ જે પ્રસંગ અંગે કલ્પનાના ઘોડાઓને બેલગામ દોડાવ્યા હતા, એ પ્રસંગ આખરે આવી ઊભો.

દત્તકવિધિનો દિવસ નક્કી થઈ ગયો. હજી થોડા સમય પહેલાં જ હાદા ઠુમરના દેવશીનું શ્રાદ્ધ સરાવવા અને અડદના પૂતળાંને અંત્યેષ્ટિ સંસ્કાર કરવા આવેલા કામેસર મહારાજ ખભે ખડિયો નાખીને ૨ઘાને દત્તકવિધિ આટોપવા આવી પહોંચ્યા.

અને હોંશીલા રઘાએ એની આદત મુજબ બીજો એક ધડાકો કર્યો. દત્તકવિધિને દિવસે ગામ આખાને એણે સાગમટે સર્વેજણ ભોજનનું નોતરું આપી દીધું.

‘આજે ગામ આખાના ધુમાડા બંધ કરવા છે !’ એવી એની મનીષા હતી.