આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




પ્રકરણ એકવીસમું
રોટલાની ઘડનારી

‘રઘાભાઈ ! ભારી થઈ ગઈ આ તો !’

‘કો’કનાં કર્યાં કો’કને ભોગવવા જેવું થ્યું આ તો !’

‘બિચારા તખુભા બાપુનું જીવતર કડવું ઝેર થઈ પડ્યું !’

‘ને સમજુબાને ય કાંઈ ઓછો સંતાપ કે’વાય ? પેટનો જણ્યો આમ ઓચિંતો પકડાઈ ગ્યો. !’

‘ઠકરાણાનાં નસીબ મોળાં, બીજું શું ? નીકર, નહિ વાંક, નહિ ગનો, જે શાદૂળભાને શું કામે લઈ જાય ?’

‘ગનો તો જીવલે ખવાહે કર્યો ને ઝાલી ગ્યા શાદૂળભાને ! જુવો તો ખરા ! ભગવાનને ઘેરે ય ન્યા જેવું કાંઈ છે ?’

અંબાભવાનીના કાયમી પેટ્રનો રઘા સમક્ષ દિલસોજી દાખવતા હતા. દીકરો તખુભાનો પકડાયો હતો, પણ ખરખરો રઘાને મોઢે કરાતો હતો.

બોલનારાઓ ઘણા તો કટાક્ષમાં બોલતા હતા, કેટલીક વાણી તો નરી દાઢમાંથી જ ઉચ્ચારાતી હતી. એ આખી ય ઘટનામાં રઘા ઉપર એક કાતિલ વ્યંગ રહેલો હતો, પણ એ સામે કશી રાવફરિયાદ કરવાની રઘાની હેસિયત નહોતી. એણે તો આ અણધાર્યો મામલો હવે મૂંગા મૂંગા જ ખમી ખાવાનો હતો.

જીવો ખવાસ તાજનો સાક્ષી બન્યા પછી જેરામ મિસ્ત્રી બહુ ચગ્યો હતો. અખબારોના વાચન પરથી એણે કરેલાં કેટલાંક અનુમાન સાચાં પડ્યાં હતાં તેથી એ નજૂમીની અદાથી આ આખીય ઘટનામાં