આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રોટલાની ઘડનારી
૨૫૧
 


‘હાલ્ય આપણે મેડે. ગિરજાપરસાદ ઊની ઊની રોટલી ઉતારે છે. ખાઈ લે પેટ ભરીને.’

પણ માંડણ જાણે કશું સાંભળતો જ ન હોય એમ સાજા હાથે ગાંઠિયા ચાવતો રહ્યો...

રઘાએ ફરી ફરીને એને ભોજન માટે વિનવણી કરી જોઈ, પણ ધૂની માંડણે એ તરફ ધ્યાન જ ન આપ્યું, અને ગાંઠિયાનું પડીકું પૂરું કર્યા પછી માત્ર ચહાનો પ્યાલો જ માગ્યો ત્યારે રઘાની આંખમાં આંસુ આવી ગયાં. આ જુવાનની જિંદગીની બરબાદી જોઈને એને લાગી આવ્યું.

પણ હૉટલમાં બેઠેલા બીજા બધા જ માણસો કાંઈ રઘા જેવા દિલસોજ નહોતા. એમણે તો માંડણની આ ઉદાસીન સ્થિતિ જોઈને માર્મિક મજાક પણ કરવા માંડી :

‘જુવાન હમણાંનો સાવ ઝંખાઈ ગ્યો છ.’

‘માનો કે ન માનો, પણ માંડણનો જીવ હમણાં ક્યાંક બીજે ભમે છે.’

‘કે પછી શાદૂળભા વિના સોરવતું નથી !’ ભૂધર મેરાઈના વલ્લભે ટકોર કરી.

સાંભળીને રઘાની આંખ ચમકી ઊઠી. પણ શાદૂળભા વિષે હવે કશી ય નૂક્તેચિની કરવામાં જોખમ છે એમ સમજાતાં એ મૂંગો રહ્યો.

‘શાદૂળભા વિના સોરવતું ન હોય તો માંડણે ય ભલે એનો સથવારો કરે !’ ઘરાકોએ વાત આગળ વધારી.

‘ક્યાં જઈને સથવારો કરે ? રાજકોટની જેલમાં ?’ થોડી હસાહસ પણ ચાલી.

બીજો કોઈ પ્રસંગ હોત તો પોતાની આવી હાંસી સાંભળીને માંડણિયાના મગજની કમાન ક્યારની છટકી ગઈ હોત પણ હમણાંની શારીરિક અને માનસિક યંત્રણાઓ સહન કર્યા પછી એનામાં હવે