આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુખિયાં ને દુખિયાં
૨૫૭
 


માનતા થોડી માનવી પડે ? ઈ તો રોજ વાતચીતમાં ય એના વરને “મૂઆ મસાણિયા” કહીને બરકે છે—’

‘તો પછી બીજી વળી કઈ વાતની માનતા માની હશે ? ઝમકુકાકી આવી મોંઘારતમાં છત્તર ઘડાવવાનું ખરચ કાંઈ અમથું અમથું તો નહિ જ કરે ને ?’

‘મૂઉં મને બોલતાં ય શરમ આવે છે.’ સંતુએ કહ્યું.

‘મારા સિવાય બીજું કોઈ સાંભળે એમ નથી એટલે બોલી નાખ્ય !’

‘આ સામાં સતીમા બેઠાં છે ને, હાજરાહજૂર !’

‘ઈ તો સાગરપેટાં છે, ને વળી એના કાન સાચા ન હોય, એટલે કાંઈ સાંભળેકારવે નહિ. તું તારે બોલી નાખ્ય ઝટ !’

‘ઝમકુકાકીએ ગામ આખા કરતાં સાવ સવળી જ માનતા માની છે. બીજા બધાં ય તો જણ્યાંની આશાએ સતીમાને સેવે છે –પણ ઝમકુકાકીની વાત સંચોડી નોખી જ છે. ઈ બચાડાં હવે સેંતકનાં જણ્યાંથી કાઈ ગ્યાં છે ને, એટલે એવી માનતા માની છે કે હવે ભગવાન મને નવાં જણ્યાં ન આપે તો સતીમાની મૂર્તિ ઉપર મોટું બધું છત્તર ચડાવીશ !’

સાંભળીને ગોબરને હસવું પણ આવ્યું, તે સાથોસાથ દુઃખ પણ થયું. બોલ્યો : ‘બચાડી બાઈ બવ દખિયારી છે !’

‘દખિયારી તો છે, પણ કાંઈ આવી માનતા તી મનાતી હશે ?’ સંતુએ કહ્યું, ‘માણસ છૈયાંછોકરાં સારુ તો પાણા એટલા દેવ કરીને પૂજે, દાનપુણ્ય કરે ને, ધરમધ્યાન કરે, જપતપ કરે ને આ ઝમકુકાકી તો સામેથી આવી માનતા માને કે મને હવે જણ્યાં ન થાય તો સતીમાને છત્તર ચડાવું !’

‘સૌનાં સુખદુઃખ સરખાં નો હોય ને ?’

‘પણ આવું દુઃખ તો કોઈનું નો જોયું. ઓલ્યાં સમજુબા