આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાણી ડહોળાયાં
૨૬૭
 

સુધીની વિવિધ સામગ્રીઓ વેચતો, ખાદ્ય વસ્તુઓથી માંડીને ખાંપણ સુધીની, ને ઘોડિયાંથી ઘોર લગીની વસ્તુઓ પૂરી પાડનાર આ અર્વાચીન ડિપાર્ટમેન્ટલ સ્ટોર જેવી દુકાનમાં ઈજારાનું અફીણ પણ મળતું હોવાથી ગિધાની સાખ ‘ગિધો અફીણી’ તરીકે પણ આજુબાજુના વિસ્તારમાં જાણીતી હતી.

આવી મહત્ત્વની દુકાનને બારણે ચાર ચાર દિવસ સુધી તાળું વસાયેલું રહે ત્યારે લોકોની સ્થિતિ કેવી વિષમ થઈ પડે ? સદ્‌ભાગ્યે આ ચાર દિવસમાં ગામમાં કોઈનું મૃત્યુ તો ન થયું અને તેથી ખાપણની જરૂરિયાત તો ઊભી ન થઈ; પણ વગર મૃત્યુએ મસાણની દિશામાં ધીમી ગતિએ કૂચ કરી રહેલા અફીણના રીઢા વ્યસનીઓની સ્થિતિ બહુ વિષમ થઈ પડી.

અફીણનો અમલ લીધા વિના એક ડગલુંય ચાલી ન શકનાર પંચાણભાભો તો ટાંટિયા ઘસવા લાગ્યો. ખુદ તખુભા બાપુને અમલ લીધા વિના નસો તૂટવા માંડી. ઉપરાંત, ગામના તેમ જ પરગામના બાવાસાધુઓ અને ફકીરફકરાં તો ગિધાની હાટને ઊંબરે ઓયકારાં કરતાં લોથપથારી થઈને પડ્યાં હતાં. એમાંના કેટલાક ગિધાના નામનો જાપ જપતા હતા, કેટલાક ગિધાને ગાળો સંભળાવતા હતા. ચાર ચાર દિવસ સુધી દુકાનનાં બારણાં ખૂલ્યાં જ નહિ તેથી કેટલાક વ્યસનીઓ ગિધાનું ઘર ગોતતા ગોતતા એની ડેલીએ પહોંચ્યા અને ગિધાના નામની પોક પડી ત્યાં સામેથી ચાર ચાર દિવસથી રડી રહેલી ઝમકુએ ગિધાની જોડે આ ઘરાકોનાં પણ છાજિયાં લેવા માંડ્યાં.

‘રોયાં ભિખારાંવ ! આ તમારુ ભીખનું નાણું અમારા ઘરમાં ગર્યું એમાં નખોદ નીકળી ગયું. તમારે પાપે અમારું ધનોતપનોત નીકળી ગયું. હવે તો અહીથી આઘાં મરો !’

અફીણના વેપારમાં સારો કસ જણાતાં ગિધાએ મોટી રકમ ચૂકવીને એનો ઈજારો રાખેલો. અલબત્ત, વધારે પડતી ઘસી નાખેલી