આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૮
લીલુડી ધરતી
 

 ચાંદીની ઝીણી બેઆની અને પાવલીનાં તોલાં વાપરીને ગિધો અફીણનો જોખ બહુ ઓછો કરતો, અને એ ઓછા માલમાંય અરધોઅરધ કાળીજીરીનો ભેગી કરીને મબલખ નફો કરતો, તેથી લોકો એને અને ઝમકુને પણ વારંવાર ચેતાવતાં ખરાં :

‘આ સર૫ પકડવા જેવો ધંધો સારો નથી. ગરીબગુરબાં ને માગણભિખારીનું ભીખેલું નાણું ઘરમાં ઘાલો છો એમાં સુખી નહિં થાવ.’

ગિધો તો આવા વહેમને ગણકારે એમ નહોતો, પણ ઝમકુને અત્યારે આફતને સમયે એ આગાહી સાચી પડતી લાગી; તેથી એ પતિના નામની પોક મૂકીને રડવા લાગી.

ચાર ચાર દિવસથી ચાલતી ઝમકુની આ રોકકળ સાંભળીને રઘાનું હૃદય દ્રવી ઊઠ્યું. એને થયું કે આ પરિસ્થિતિનો હવે કોઈક જલદ ઉપાય કરવો જ જોઈએ; ગિધાને જીવતો કે મરેલો પણ હાથ કરવો જ જોઈએ.

મુખી ભવાનદા પણ ચાર ચાર દિવસથી અકળાઈ રહ્યા હતા. ગામનો વેપારી ગુમ થાય અને પોતે એનું પગેરું ન મેળવી શકે એમાં એમને પોતાનું મુખીપદુ લજવાતું લાગતું હતું. ભવાનદા પોતાની જાતને ગામને સુખે સુખી ને ગામને દુઃખે દુઃખી ગણતા હતા; એમાં ઝમકુનો કાળો કકળાટ સાંભળીને એમનું માથું લાચારીથી શરમમાં ઝૂકી પડ્યું. ગિધાને જે જે ગામડાં જોડે વછિયાત–વેપાર કે ધીરધારના સંબંધો હતા તે તે ગામે મુખીએ ખાસ માણસો મોકલીને ભાળ કઢાવી જોઈ હતી, પણ ક્યાંયથી આ વેપારી અંગેના કશા જ વાવડ મળતા નહોતા, તેથી એમની અકળામણમાં વધારો થતો હતો.

ચાર ચાર દિવસ થયા તો ય આ ચતુર વેપારી ક્યાં રોકાઈ ગયો ? વેપારધંધામાં હજાર કામ હોય, ને ક્યાંક રોકાઈ જવું પડે તો ય માણસ કાંઈ કાગળપતર–ચિઠ્ઠીચપાટી કશુંક તો મોકલે જ