આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




પ્રકરણ પચીસમું

પાતાળનાં પાણી

‘એલાવ, હાલો માંડણીયાની વાડીએ દાર ધરબાય છે ઈ જોવા જાઈએ—’

‘ગોબરભાઈ વિલાયતી ટોટા ફોડે છે !’

‘ધડીમ્ ધડીમ્‌ ધડાકા થાય છે. બમ-ગિલોલા ફૂટે છે, ને પાતાળ કૂવો ફૂટે છે—’

‘દિવાળી–ટાણાના ગડદિયા જેવા ધડાકા થાય છે. ડુંગર ડુંગર જેટલે ઊંચે શિલા ઊડે છે...’

કૂવામાં પાણી લાવવા માટે ગોબરે યોજેલો કારસો ગામલોકો માટે કૌતુકનો વિષય થઈ પડ્યો, ‘વેલાતી દારૂ’ વડે થતું આ ખોદકામ આબાલવૃદ્ધ સહુને માટે એક જોણું થઈ પડ્યું.

સવારસાંજ ટોળેટોળાં માંડણની વાડી નજીક એકઠાં થવા લાગ્યાં.

દુકાળના વરસમાં હવે સાથી રાખવો પોસાય નહિ એમ સમજીને ગોબર, સંતુ ને માંડણ થઈને જ ખોદકામ કરતાં હતાં. માંડણિયો તો એક હાથે ઠૂંઠો એટલે અરધો ગણાય, એમ મજાક કરીને ગોબર કહેતો કે અમે રોકડા અઢી જણ છીએ, ને પાંચ હાથની મદદથી જ પાતાળ ફોડવું છે. અલબત્ત, માંડણિયાના સાખ પડોશી જસરાજે ખોદકામમાં સાથ આપવાની તૈયારી બતાવેલી, પણ ગોબરે એને વારેલો, ‘આ તો દાર ધરબવાનું કામ... ટોટા ફોડવા એટલે જોખમના મામલા... જરાક વેમ નો રિયે છે સરતસૂચક થઈ જાય તો માલીપાની છીપરી ભેગા માણસના ય ફુરચા ઊડી જાય !’