આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાતાળનાં પાણી
૨૯૫
 

ભવોભવના ઋણાનુબંધનો ભાવ સહુ અનુભવી રહ્યાં.

હવે ગોબરે પોતાની વાડીમાં ટોટા ફોડવાની શરૂઆત કરી.

વળી બન્ને પિતરાઈઓએ ખભેખભા મિલાવીને ખોદકામ કરવા માંડ્યું.

બંનેની વાડીઓ જોડાજોડ હોવાથી બંનેના કૂવાની સરવાણીઓ એક જ હતી. તેથી પોતાની વાડીમાં પણ ચારેક હાથ જેટલુ ખોદકામ કરતાં કૂવો ઊભરાઈ જશે એવી ગોબરને શ્રદ્ધા હતી.

આજકાલ સંતુના હૃદયમાં ઉમંગ માતો નહોતો. ગોબર અને માંડણ જોડે જાતતોડ જેવી આકરી મજૂરી કરવામાં એને અદકો આનંદાનુભવ થતો હતો. દારુણ દુર્ભિક્ષની યાતનાઓ દીનતાથી સહી લેવાને બદલે એની સામે પ્રચણ્ડ પુરુષાર્થ વડે વિજય મેળવવામાં એક પ્રકારની ખુમારી રહેલી હતી. એ ખુમારીનો એક નશો હતો, એક પ્રકારનો સાત્ત્વિક કેફ હતો. એ કેફમાં ચકચૂર થઈને આ ત્રિપુટી કાળી મજૂરી કરી રહી હતી.

ત્રણે ય જણાં એક પ્રકારની સ્વપ્નાવસ્થામાં વિહરી રહ્યાં હોય એમ લાગતું હતું... કોઈ કોઈ વાર સંતુ માંડણ જેઠની મીઠી મશ્કરી પણ કરતી હતી. માંડણને ફરી વાર ઘર માંડવાનું એ સૂચન કરતી હતી. એના ઉત્તરમાં માંડણ કહેતો હતો :

‘મારે એવી પળોજણ ન પોહાય–’

‘પણ મને મારી જેઠાણી વન્યા સોરવતું નથી એનું શું ?’ સંતુ સામી દલીલ કરતી હતી.

 ***

તે દિવસે અરજણને માર મારતી વેળા માંડણ દારૂ પીધેલી હાલતમાં પકડાયો, એ પછી એ ઘણી ય વાર ગોબરના ખેાળામાં માથું મૂકીને ધ્રૂસકે ધ્રૂસકે રોયો હતો. પોતાના આ કૃત્ય બદલે એને પોતાને જ એવી તો ભોંઠામણ થયેલી કે એના પશ્ચાત્તાપ માટે રુદન સિવાય એની પાસે બીજી કોઈ ભાષા નહોતી. પછી તો એણે હાદા