આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૨
લીલુડી ધરતી
 


વિવરણ કર્યું : ‘દુકાળ હોય કે સકાળ હોય, સારું વરહ હોય કે માઠું વરહ હોય, પણ સોનીભાઈને તો હુંધે ય સરખી જ કમાણી. સારે વરહે માણસ સોનું–રૂપું વહોરી જાય... ને માઠે વરસે વેચી જાય. નથુબાપાને તો બે ય કોર્યથી લાભ : વેચતાં ય ચોરે ને વહોરતાં ય ચોરે. ઓલ્યા કાશીના કરવતની જેમ–બે ય કોર્યથી ઘરાકને વહેરતા જાય–’

થાનક તરફથી પાછાં ફરતાં જુસબ અને મરિયમ કૂવાના થાળા નજીકથી પસાર થયાં ત્યારે મરિયમની કાંખમાં રમતા દાણિયા જેવા બાળક તરફ સંતુ–ગોબર અનિમિષ નજરે નિહાળી રહ્યાં.

 ***

થોડી વારમાં માંડણ ધીમે પગલે ખોડીબારામાં પ્રવેશ્યો. એની ચાલ જાણે કે બદલાઈ ગઈ હતી. અહીંથી એ ગામ તરફ ગયો એ વેળાએ એની આંખમાં છવાઈ ગયેલી શૂન્યતાને સ્થાને તેજીલી ચમક આવી ગઈ હતી.

માંડણની પાછળ પાછળ જ એના ફળિયાનો પાળેલો ને માંડણથી બહુ જ હળી ગયેલો ડાઘિયો કૂતરો પણ આવ્યો એ જોઈને સંતુ બોલી :

‘આ ડાઘિયો તો જાણે કે માંડણ જેઠનું પૂછડું !’

‘નથુબાપા તો આને રોટલાનું બટકું ય નથી નીરતા.’ માંડણે કહ્યું. ‘અજવાળીકાકી આમ ધરમની વાતું મોટી મોટી કરે, પણ જીવ સાવ આટલો જ. ડાઘિયો સવારનો ભૂખ્યો હશે, તી મેં રામભરોસેમાંથી લાડવા લઈને ખવરાવ્યા.’

અને માંડણે હાથમાંના પડીકામાં વધેલું લાડવાનું છેલ્લું બટકું ડાઘિયાને નીરી દીધું.

‘એલા, આ તો મસાણિયા લાડવા છે.’ ગોબરે કહ્યું. ‘લોટ, પાણી ને લાડવા જ, બીજું કાંઈ નહિ.’

‘મસાણિયા લાડવામાં તી એલચીનો સ્વાદ નખાતો હશે