આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માનતા ફળી !
૩૦૩
 


ક્યાંય ? પણ મારા ડાઘિયાને આ લાડવા બવ ભાવે છે–’

ગોબરે ચૂંગી ખંખેરીને ઊંધી વાળી દીધી : ‘હાલો, ઝટ ચારપાંચ ટોટા ફોડી લઈએ, નીકર વળી ખાબોચિયામાં પાણી ભરાઈ જાશે.’

રાંઢવું ઝાલીને ગોબર સડેડાટ કૂવામાં ઊતરી ગયો.

અંદર એકઠાં થયેલાં કપચી ને ટાચોડાનાં બકડિયાં ભરાવા લાગ્યાં ને કાંઠે ઊભેલા માંડણે એ સારવા માંડ્યાં.

એક ટોટો ફૂટ્યો, બીજો ફૂટ્યો, ત્રીજો ફૂટ્યો...

સંતુએ કહ્યું : ‘અબઘડીએ સીંજાટાણું થાશે... હવે કાલ્ય સવારે વાત.’

‘ડાબે ખૂણે અડધી છીપર રહી ગઈ છે. એટલી ઉખેડી નાખું તો નિરાંત.’ કહીને ગોબર વળી પાછો રાંઢવું ઝાલીને કૂવામાં ઊતર્યો.

માંડણ નવી વાટ તૈયાર કરવામાં રોકાયો, સાથે સાથે, રામભરોસેના રેડિયોમાંથી સાંભળી આવેલા કોઈક નવા ફિલ્મી ગીતની તરજ ગણગણવા લાગ્યો, અને વચ્ચે વચ્ચે સંતુ તરફ ભેદભરી નજરે નિહાળવા લાગ્યો.

સંતુને અત્યારે માંડણની વર્તણૂક બહુ વિચિત્ર લાગતી હતી. એ સિનેમાનાં ગીતો ગણગણતો હતો, તે વચ્ચે વચ્ચે આવેશમાં આવી જઈને બબડતો હતો :

‘શાદૂળિયાની ખોપરીમાં દારૂ ધરબીને આવો એક ટોટો ફોડવો છે. ઈ ફટાયાની ખોપરીના ચૂરેચૂરા કરી નાખવા છે...’

બાકી રહેલી ભેખડમાં ગોબરે છેલ્લી સુરંગ ધરબી દીધી, ને વાટ ઉતારવાનો અવાજ દીધો.

માંડણે કાંઠેથી વાટની દોરી અંદર ઉતારી.

સંતુ ટાચોડાનું છેલ્લું તગારું ઠાલવવા જરા દૂર ગઈ.

ગોબરે ટોટા પર વાટ ગોઠવી.

તગારું ઠલવીને પાછી ફરતી સંતુએ દૂરથી જોયું તો માંડણ