પર બાંધેલું રાંઢવું ધ્રૂજતું હતું. એ ઉપરથી સમજાઈ ગયું કે ગોબર બહાર નીકળવાની તૈયારી કરે છે...
પણ ત્યાં તો માંડણે હાથમાં પલિતો લીધો...
‘આ શું કરો છો, માંડણ જેઠ ?’ સંતુએ દૂરથી જ બૂમ પાડી : ‘એને કાંઠે તો આવવા દિયો !’
પણ માંડણ આવું કશું સાંભળવા તૈયાર નહોતો. એણે તો પટ કરતોક ને વાટ ઉપર પલિતો ચાંપી દીધો...
એ દૃશ્ય જોઈને સંતુના મોઢામાંથી કારમી ચીસ નીકળી ગઈ !
પલિતો ચાંપીને માંડણ ચોંપભેર દૂર નાસી ગયો.
‘રાંઢવું વધારે ધ્રુજી ઊઠ્યું. અંદરથી ગોબરનો ભયભીત અવાજ સંભળાયો :
‘માંડણિયા ! આ શું કર્યું ?’
પણ ત્યાં તો ગોબરના અવાજને અને સંતુની ચિચિયારીને દાબી દેતો ભયંકર ધડાકો થયો.
બાકી રહેલી ભેખડની શિલાઓ જોડે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડ્યા...
એ કાળા મેશ ધુમાડાના ગોટાઓમાં ગોબરનો સતીમાની માદરડી બાંધેલો ગોરમટો હાથ પણ છૂટો ઊડ્યો...!
એ જોઈને સંતુના ભયભીત હૃદયમાંથી આકાશના ઘુમ્મટને ચીરી નાખે એવી તીણી ચિચિયારી નીકળી ગઈ.
[અનુસંધાન ભાગ બીજો]