આણું કંયે કર છ ?’
‘ઓણ સાલ તો હવે કેમ કરીને થાય ?’
‘કેમ ભલા ? ઓણ સાલે કાંઈ અગતો પાળ્યો છે ?’
‘અગતો તો નહિ પણ—’
‘પણુ શું ? ગામ આખાનાં તો આણાં થઈ ગિયાં. એકલી સંતુનું જ શું કામે બાકી રિયે ?’
‘રાખવું ય પડે,’ ગોબરે હતાશ થઈને કહ્યું.
‘પણ કારણ કાંઈ ?’ માંડણિયે ફરી પૂછ્યું. આ વખતે એની આંખમાં કોઈક વિચિત્ર ભય વ્યક્ત થતો.
ગોબર મૂંગો મૂંગો માંડણિયાની માંજરી આંખો તરફ તાકી રહ્યો. એના મનમાં અનેક પ્રશ્નો ઉઠ્યા. શા માટે માંડણિયો આ બાબતમાં આટલો રસ લેતો હશે ? છેક નાનપણથી જ માંડણિયાની નજર સંતુ ઉપર હતી એ વાત તે ગામ આખું જાણતું હતું, અને હવે શાદૂળની સંગતમાં એ બન્ને જણા સંતુને પજવી રહ્યાની ફરિયાદો પણ આવ્યા કરે છે. તો પછી આ માટે આ માણસ મારો વાલેસરી બનીને સંતુમાં આટલે રસ લઈ રહ્યો છે ?.......
ઓરણી કરી રહેલા ગોબરને મૂંગો જોઈને ફરી માંડણિયે પૂછ્યું :
‘આણું ન કરવાનું કારણ કાંઈ ?’
‘કારણ તો શું હોય બીજું ? પણ આતાનો હાથ હમણાં પોંચતો નથી...!’
‘ગયું વરહ તો સોળને સાટે અઢાર આની જેટલું ઊતર્યું’તું, ને હાથ કેમ પાંચતો નો હોય ?’
‘પણ વરસની વચાળે મોટો ધક્કો લાગી ગયો ને ?’
‘કિયો ધક્કો વળી ?’
‘પરબતભાઈના મંદવાડનો. છો મૈના લગણ ખહીરોગમાં ખાટલે પિલાણા. ખહીરોગ તો રાજરોગ કે’વાય. એના ખરચા તો