આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
લીલુડી ધરતી
 


સાજાં માણસનીય ખાલ ઉખેડી નાખે. મોંઘીપાડી દવાની બાટલિયું ને ઈથી ય મોંઘાં ઈંજીશન....જુનેગઢથી દાગતરના આંટાફેરા ને એની રજવાડી ફિયું... સંઘર્યું સંધુંય સાફ થઈ ગિયું : વાલની વાળીય વધી નથી.’

અને પછી થોડી વારે ઘરની કંગાલિયતને ખ્યાલ આપવા માટે ગોબરે ઓરણીમાંના થોડાક દાણા હાથમાં લઈને કહ્યું : “આ પણ ગિધા લુવાણા પાસેથી કઢારે કઢાવવા પડ્યા છે.’

આ કથન સાંભળીને માંડણિયાનું હૃદય દ્રવિત થાય એવું તો હતું જ નહિ. પણ પછી એ સાવ મૂંગો તો થઈ જ ગયો. મગજમાં જાણે કે કોઈક વ્યૂહ ગોઠવતો હોય એવી એની મુખમુદ્રા જોઈને ગોબર ગભરાઈ ગયો. સંતુનું આણું કરવાનું સૂચવવા પાછળ માંડણિયાની શી મુરાદ હશે એ વિશે વિચારી રહ્યો હતો ત્યાં જ માંડણિયે અત્યંત તુચ્છકારભર્યા અવાજે કહ્યું :

‘વહુને તેડવાની તેવડ્યું ન હોય તો માટે ઉપાડે પરણો છો શું કામે ને ?’

‘શું, શું બોલ્યો ? ગોબરે કરડાકીથી પૂછયું. ‘ફરી દાણ બોલ્ય જોયીં ?’

માંડણિયો કાંઈ ઓછા ઊતરે એમ નહોતો. આ વખતે વધારે તુચ્છકારથી, શકય તેટલી કડવાશથી સંભળાવ્યું કે :

‘કહું છું કે ગાંઠ્યમાં કાવડિયાં ના હોય તો મોટે ઉપાડે કંકુઆળા શું કામે થાવ છો ?’

સાંભળીને ગોબરને એવી તો દાઝ ચડી ચડી કે માંડણિયાની જીભ ખેંચી કાઢવાનું મન થઈ આવ્યું, પણ ટાઢીશીળી પ્રકૃતિવાળા જવાને આ મહેણું ખમી ખાધું અને માત્ર એટલું જ બોલ્યો :

‘એલા, આવી પારકી ચંત્યા કરીને ઠરીને ઠાલો તું શું કામે પડછ ?’

‘મને તું પારકો જણ ગણછ ? આપણે તો એક જ મગની