બે ફાડ્ય જેવા ભાયાત. તું ય ઠુમર ને હું ય ઠુમર. આ આપણાં થડાથડ ખેતરની વચાળે ત્રીજી પેઢીએ તો શેઢો ય નહોતો ઈ ભૂલી ગ્યો ?’
‘ઈ તો હતું તે દિ’ હતું. હવે તો અમારા ખોરડા હાર્યે તેં ભાણાંવેવારે ય ક્યાં રાખ્યો છે ? હું તો જાણે તારે મન આગલા ભવનો વેરી હોઉં એવો લાગું છું.’
‘તો યે અંતે તે આપણે એકલોહિયા. આટલું મારા પેટમાં બળ્યું એટલે બોલવું પડ્યું.’
‘તારે આવી પારકી ચોવટ ન કરવી.’ આખરે ગોબરે સંભળાવી દીધું. ‘ઠાલો દુબળો પડી જઈશ.’
હવે માંડણિયે નવો દાવ અજમાવ્યો. બોલ્યો :
‘એલા, આમાં તો અમારે લાજી મરવું પડે છે—’
‘શું કામે લાજી મરવું પડે, ભાઈ ?’
‘આ સંતુડીની સામે ગામ આખું આંખ્યું ઉલાળે છે ને, એટલે—’
‘ગામ આખું ?’ ગોબરે સૂચક પ્રશ્ન પૂછ્યો.
‘હા, હા. ગામ આખું.’
‘એલા, ગામ આખાને ઠાલો શું કામે વગોવ છ ? તારા પંડ્યના જ મનમાં મેલ ભર્યો છે એની વાત કર્ય ને ?’
‘મારા મનમાં મેલ ?’
‘મારી પાંહે શું કામે ને સતો થવા આવ્યો છે ? રઘા મા’રાજની હોટેલે બેઠો તું શું ધંધા કરછ, ઈ હું નથી જાણતો ?’
‘તી હોટલ ક્યાં કોઈના બાપની છે, તી ન બેસીએ ?’
‘બેસીએ તો પછી આવાં અટકચાળાં નો કરીએ—’
‘હોટલમાં તો ગામ આખું બેસે છે. મને એકલાને શું કામે ડારો દેવા આવ્યો છે ?’
‘તું કટમી મૂવો છો, એટલે તને કેવું પડે.’ ગોબરે કહ્યું, ‘સગો