ભારે પગલે શેઢા સુધી પહોંચતાં તો પાંચસાત વાર એ પછવાડે જોતા જોતા આંખમાંથી અંગારા વરસાવતો રહ્યો. એનું મૌન જાણે કે આંખ મારફત બોલી રહ્યું હતું : અટાણે તો તેં તે પહેલો ઘા કરી લીધો છે, પણ દીકરા મારા ધ્યાન રાખજે, દાવ આવ્યે હું સોગઠી મારીશ...
અને ગોબર જાણે કે માંડણિયાની એ મૂંગી ધમકીનો જ જવાબ આપી રહ્યો હતો :
‘તારે જીવ વા’લો હોય તો હવે મારા મારગમાં ક્યાંય આડો ઊતરીશ મા. ભલો થઈને કેડો તારવી જજે... ને ખબરદાર, જો ઊંચી આંખે સંતુની સામે જોયું છે તો ! આંખના ગોખલામાંથી ડોળા જ ખેંચી લઈશ !’
પોતાને ખેતરને ખોડીબારે પહોંચતાં માંડણિયે આ છેલ્લી ધમકીના ઉત્તરમાં ગોબર ઉપર જે દૃષ્ટિપાત કર્યો એમાં એના ઘૂરકતા ડોળા જાણે કે જવાબ વાળતા હતા : ‘જોઈ લઈશ, દીકરા મારા, તું તા હવે લાગમાં આવે એવી જ વાર છે !’
***
ખેતરમાં બાકી રહેલી વાવણી એકલે હાથે અને વ્યગ્ર ચિત્તે પૂરી કરીને ગોબરે સાંતી છોડ્યાં.
ખેતરેથી ઘરે જતાં પહેલાં રોજના નિયમ મુજબ એ સતીમાના થાનક પાસે ગયો અને માથું ઢાળીને આશીર્વાદ માગ્યા. પછી બળદો દોરીને એ ગામ તરફ જવા નીકળ્યો.
અરધે મારગે નેળમાં વળતાં જ એક ખેડુ જુવાને સામે મળ્યો. એણે કહ્યું :
‘તને તેડવા જ આવતો'તો—’
‘કાં ?’ ગોબરે પૂછ્યું.
‘હાદા આતા ક્યુંની વાટ જુવે છે. તારે દેણી ઉપાડવી પડશે ને ? ઝટ પગ ઉપાડ્ય.....’