પ્રકરણ ત્રીજું
બેડું નંદવાણું
‘હુઠ્ઠ સાલા હીજડા !’
‘બૂડી મર્ય બૂડી, માળા નપાણિયા !’
‘હવે તો કીડીનું દર ગોત્ય દર, બાયલા !’
રઘા મહારાજની ‘અંબા–ભવાનીને બાંકડે માંડણિયો સોજી ગયેલા ગાલ ઉપર લીલી હળદરનો લેપ લગાવીને બેઠો હતો અને છેલછોગાળો શાદુળ એની રેવડી દાણાદાણ કરી રહ્યો હતો.
‘માંડણિયા ! તું ચૈતર મહિને જન્મ્યો લાગ છ.’ શાદુળે વળી મજાક કરી. ‘ઈ વન્યા તારામાં આટલી મીઠાની તાણ્ય નો રૈ જાય !’
શાદૂળને શ્રીમુખેથી ઉચ્ચારાતી એકેએક મજાકમાં પોતાનું સમર્થન ઉમેરવા માટે રઘો હરેક વેળા હૉટેલના ખૂણામાં ખળેળ ખળેળ પાનના થૂંકના કોગળા રેડતો જતો હતો અને પછી અદોદરી ને ઉઘાડી ફાંદના ચાર ચાર વાટાને ખળભળાવી મુકે એવું જોરદાર ખડખડાટ હાસ્ય વેરતો જતો હતો.
‘હાય રે હાય ! ગોબરિયા જેવા ડામચિયાના હાથનો ઠોંહો ખાઈ લીધો !’ પોતાના પમ્પ શૂઝ પર હોકી સ્ટીકને છેડો દબાવતાં શાદૂળે વળી એ જ વાત ઉખેળી. અને પછી રઘા તરફ ફરીને સૂચવ્યું : ‘ગોર ! માંડણિયાને એક કોપમાં પાણી ભરીને આપો, એટલે એમાં બૂડી મરે બિચારો !’
‘કોપ શું કામ ?’ પાનને કોગળો ખાલી કર્યા પછી રઘાએ મેલાઘાણ પંચિયા વડે હોઠ લૂછતાં લૂછતાં કહ્યું, ‘આ નાંદ