છલોછલ ભરી છે. પૂરાં આઠ બેડાંની. જણ આખેઆખો સમાઈ જશે માલીપા.’
શાદૂળી માંડણને સૂચવ્યું :
‘એલા હલામણ ! હમણાં મોઢેથી આ સોજો ન ઊતરે ત્યાં લગણ આ નાંદમાં સંતાઈ જા, એટલે ગામ આખું તને પૂછતું આળહે કે આ મૂઢમાર ક્યાંથી ખાઈ આવ્યા ? નીકર તો તું તારા ભેગી મારી આબરૂના ય કાંકરા કરીશ.’
‘બાપુ ! બિચારા જવાનને આવી આકરી સજા શું કામેને કરો છો ઠાલા ” રઘાએ ફરી પ્રયત્નપૂર્વક જીભ છૂટી કરીને કહ્યું. એના કરતાં તો તમારા ગરાસિયાના રિવાજ પરમાણે માંડણિયાને મોઢે બોકાની બંધાવોની, એટલે સોજી ગયેલા ગાલ જ સંચોડા ઢંકાઈ જય? ને વળી માથેથી ‘કાદુ મકરાણી’ જેવો મારકણો લાગે !’
આટલું કહીને ગોર ખડખડાટ હસ્યા. અત્યારે જીભ છૂટી જ હોવાથી એમણે ભેગાભેગું ઉમેરી દીધું :
‘ને પછી ગોબરિયા હાર્યે ફરી દાણ બથંબથાં થાય ને એક હાથે ઠૂંઠો થઈ આવે તો ‘વાલા નામોરી’ જેવો ભડભાદર લાગે !’
ફરી હૉટેલ આખીમાં હાસ્યના પડછંદા પડી રહ્યા. પણ આ વખતે ગોરને આટલી હસાહસથી સંતોષ નહોતો, તેથી ઉમેર્યું :
‘ને એમાં ન કરે નારાયણ. ને એક પગે લંગડો, એક આંખે કાણો, ને ડિલ ઉપર સો બસો જખમ ઝીલીને આવે તો તે ‘રાણા સંગ’ જેવો શૂરવીર લાગે !’
અને પછી તો રઘાએ આ સામટી મજાકોના એકસામટા હાસ્યની જે હણહણાટી કરી એથી તો એની ફાંદના ચારેચાર વાટા ઉપરાંત આ વેળા તે એની મજૂસની બેઠક આખી હચમચી ઉઠી તે કિચૂડ કિચુડ બોલી રહી...
હોટેલમાં કેટલાક ઘરાકો તે રઘાની મજાકોને બદલે બેઠકના કિચૂડ કિચૂડ અવાજ ઉપર જ હસી રહ્યા.