આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
લીલુડી ધરતી
 


થઈ આવેલો તેથી ‘રેકોર્ડ’ જેવો અઘરો અંગ્રેજી શબ્દોચ્ચાર એને બરાબર ફાવતો નહોતો. કૉલેજમાં એની એકમાત્ર પ્રવૃત્તિ તેવતેવડા રાજકુમારો જોડે હોકી રમવાની હતી. શાદૂળ જ્યારે અભ્યાસ પૂરો કર્યા વિના જ ગુંદાસરમાં પાછો આવ્યો ત્યારે પોતાની પ્રિય રમતના સંભારણારૂપે આ હૉકી સ્ટીક સાથે લેતો આવેલો. આરંભમાં તો અહીં ગામલોકો માટે આ દાંતા વિનાની ખંપાળી કે ખરપડીના ઘાટનું લાકડું એક કુતૂહલનો વિષય બની રહેલ. કુંવરને કૉલેજમાંથી શા કારણે પાછા આવવું પડેલું એ અંગે પણ ઘણી ઘણી રસપ્રદ વાયકાઓ ગામમાં પ્રચલિત બનેલી. એક વાયકા એવી હતી કે કૉલેજના છાત્રાલયના નિયમોનો ભંગ કરીને શાદૂળ પોતાની રૂમમાં સરેજાહેર એક ખવાસ યુવતી જોડે રહેતા. બીજો એક અહેવાલ એ હતો કે ગુજરાતી સાહિત્યના એક અગ્રગણ્ય સાક્ષર જેઓ કૉલેજમાં પ્રોફેસર હતા અને છાત્રાલયના ગૃહપતિ તરીકે પણ કામ કરતા, એમણે એક વાર ઓચિંતી જ શાદૂળના રૂમની ઝડતી લીધી ત્યારે ખાટલા તળેથી વ્હિસ્કીના ખાલી શીશા મળી આવેલા અને એ ગુના સબબ શાદૂળને ૨સ્ટીકેટ કરવામાં આવેલો. આ આરોપની સામે શાદૂળનો સ્વયોજિત બચાવ એમ હતો કે એ તો દારૂના શીશા ખાલી નીકળ્યા તેથી જ મને સજા થયેલી. એ બાટલા ભરેલા હોત તો હું બચી ગયો હોત. હકીકત ગમે તે હોય પણ શાદૂળ માટે તો એ સજા ઇષ્ટાપત્તિ સમી જ નીવડેલી. કેમ કે, એના એશઆરામી જીવને ગુંદાસરની સીમ સિવાય બીજે ક્યાંય સોરવે એમ નહોતું.

રઘા ગોરે ભૂંગળવાજા ઉપર મૂકેલી થાળી ઘોઘરે અવાજે વાગી રડી :

હાયરે પીટ્યા કહે છે મને
સંતુ રંગીલી...
આ ગામમાં તે
કેમ રહેવાય રે,