પડ્યા એના કરતાં એ વિશેષ રંજ તો પોતાને કોઈ તુંકારે સંબોધે, એ બાબતનો હતો. ગરાસિયાનું ફરજંદ ઘોડિયામાં હોય ત્યારથી જ એને માટે માનાર્થે બહુવચન વપરાય. સાઠ વરસનો ડોસો પણ એને ‘બાપુ ! બાપુ !’ કહીને ખમકારા કરે. ‘શાદૂળભા, શાદૂળભા’ જેવાં, મોં ભરી દેતાં સંબોધનો વડે જિંદગીભર ઝલાંઝલાં થયેલો આ ફટાયો જુવાન રૈયતની એક અલ્લડ છોકરીને મોઢેથી ફેંકાયેલો તુંકારો જીરવી ન શક્યો
‘ઈ ગોલકીની સંતડી મને ગાળ્ય દઈ જા ?’ શાદૂળ સમસમી રહ્યો.
‘હોઈ ઈ તો; એમ જ હાલે. ગઈ ગુજરી ભૂલી જાવ, દરબાર !’ રઘાએ દાઢમાંથી શિખામણ આપવા માંડી. ‘એમ ગાળ્યું ખાધે ક્યાં ગૂમડાં થવાનાં હતાં ?'
‘ઈ ગધાડીની સમજે છે શું એના મનમાં ? ટાંટિયા વાઢી નાખીશ !' કહીને શાદૂળ એની પાછળ જવા તૈયાર થયો.
રઘા ગોરે ઝટપટ પાન ઓકી કાઢીને શાદૂળને વાર્યો :
‘હં...હં...દરબાર, એમ અથરા થાવ માં. અબઘડીએ હેલ્ય ભરીને પાછી વળશે, ને ઠામમાં ઘી પડી રહેશે.’
પણ હવે માંડણિયો ઉશ્કેરાયો. એની જીભ તો ચાલી શકતી નહોતી, પણ અભિનય વડે એણે દરબારને સમજાવ્યું કે સીધી પાણી–શેરડે જ પહોંચીએ ને સંતુને ખોખરી કરી નાખીએ.’
‘એ બે દોકડાની કણબણ્ય ઊઠીને મારી સામે આવાં વેણ કાઢી જાય ?’ કહીને શાદૂળ ફરી પાદરે જવા તૈયાર થયો.
રઘો જાણતો હતો કે શાદૂળ બોલવે જ શૂરો–પૂરો હતો; એનું રાજપૂતી લોહી એના પૂર્વજોનું ખમીર ખોઈ બેઠું હતું. સંતુનાં વેણ એને ખરેખર વસમાં લાગ્યાં હોત તો તો એ જ ઘડીએ એક ઘા ને બે કટકા જેવો એનો અંજામ આવી ગયો હોત. શાદૂળની ત્રીજી પેઢીએ કોઈને આવા અપમાનનો અનુભવ થયો હોત