આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
લીલુડી ધરતી
 


તો ક્યારના તલવારના ઝાટકા ઊડી ચૂક્યા હતા. પણ આ તો તલવારનો યુગ આથમી ગયા પછીની રાજવટ, ને એમાંય, રાજકુમાર કૉલેજનાં રોગાન ચડેલી રાજવટ—વિલાસના રંગરાગમાં રગદોળાઈ ગયેલી રાજવટ ! એનો વૈરાગ્નિ ઠારવા માટે રઘાએ બેચાર વાક્યો જ ઉચ્ચારવાં પડ્યાં.

‘પાણીશેરડે જાવામાં આપણી શોભા નહિ, દરબાર ! ઠાલો ગામગોકીરો થાય તો એમાં ઘોડીનાં ય ઘટે, ને અસવારનાં ય ઘટે. તમારા વાંકમાં આવી છે તો હવે ઈ ગામ છોડીને ક્યાં જાવાની છે ? બેડું સિંચાઈ રહેશે એટલે અબઘડીએ માથે મેલીને આંઈથી નીકળશે.’

ગોરની આ સલાહ શાદૂળને જચી. એનો અહમ્‌ ઘવાયો હતો. બીજું કાંઈ નહિ તો પોતાને મોભો જાળવવા પણ સંતુનો જરા અટકચાળો કરવાના ઈરાદાથી એણે હૉટલમાંથી એક બાંકડો બહાર કાઢ્યો ને ઊંબરા પાસે મૂકીને એના ઉપર પોતે હાથમાં હૉકીસ્ટીક ૨માડતો બેઠો.

થોડી વાર શાદૂળની જીભ બંધ રહી એ રઘાને ન ગમ્યું. હૉટલનું પડ ગાજતું રાખવા એણે સિફતપૂર્વક શાદૂળને ઉશ્કેરવા માંડ્યો :

‘દરબાર ! હવે માલીપા આવતા રિયો’

‘ઈ સંતડીનો બરડો ભાંગ્યા વિના માલીપા આવે છે બીજા !’

‘હવે દિયા કરો બચાડી ઉપર. ગમે ઈવાં તોય ઈ ભુડથાં કેવાય. એને કાંઈ કળવકળનું ભાન હોય ? ઈને તો જી હોઠે આવ્યું ઈ ભરડી કાઢે.’

‘ઈ ભરડી કાઢવામાં ઈને હવે ભેાંય ભારે પડશે.’ શાદૂળ બાંકડે બેઠો બેઠો ભરડતો હતો. ‘અડધી રાત્યે ઉચાળા ભરાવીશ.’

‘સાચી વાત છે.’ સાપનાં ને વીંછીનાં બેય ભેગાં ભણનાર રઘા ગોરે હવે શાદૂળનો પક્ષ લીધો. ‘દરિયામાં રે’વું ને મઘર હારે વેર બાંધવાં તી પોસાય ?’