આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
લીલુડી ધરતી
 

ચોળી ખાઈએ. ઠાલા પારકા કાન સાંભળે એમાં શું લાભ ?’

'મારે સંભળાવવું છે, ગામ આખાને સંભળાવવું છે—’

‘બાપુ ! ઈમાં તો ઘોડીનાં ય ઘટે ને ઘોડેસવારનાં ય ઘટે. તું ગમે ઈવી રઈ, તો ય અંતે તો અસ્ત્રીની જાત્ય. અવતાર આખો રોળાઈ જાતાં વાર ન લાગે—’

‘મારો અવતાર ભલે રોળાઈ જાય પણ એક વાર તો શાદૂળિયાની સાત પેઢીને રોળતી જાઈશ—’

સંતુને મોઢેથી શાદૂળનું નામ ઉચ્ચારાતું સાંભળીને જ જીવો ચમક્યો. આજુબાજુ શેરીનાં માણસોનું ટોળું જામ્યું હતું. જીવાને સોંપાયેલું ‘મિશન’ આ આખુંય પ્રકરણ ભીનું સંકેલવાનું હતું. તેથી તો એ અત્યાર સુધી કોથળાની પાંચશેરીની જેમ બધી વાત મભમ કરી રહ્યો હતો. સાપ મરે નહિ ને લાકડી ભાંગે નહિ એ રીતે આ કોકડાનો ઉકેલ લાવવાનું એને રઘા મહારાજે સૂચવેલું. પણ અહીં તો છડેચોક સંતુએ શાદૂળભાને સંભળાવી, તેથી જીવો જરા ઓઝપાઈ ગયો, વાણિયાશાહી ઢબે એણે વાત વાળી લીધી :

‘ઠીક બાઈ ! તને સૂઝે એમ કરજે. તું જાણ્ય ને તારાં કરમ જાણે—’

જીવા જેવો જોરૂકો માણસ આમ ઢીલો પડી ગયો. એથી સંતુને વધારે પાનો ચડ્યો પણ હરખ તો બાપડી શિયાંવિયાં થઈ ગઈ. રખે ને છોકરીનાં આડાંઅવળાં વેણ આ ઘર પર કશીક આફત ઉતારે, એ બીકે એણે જીવાને આશ્વાસન આપ્યું :

‘જીવા જેઠ ! અટાણે તો છોકરી જરાક મમતમાં છે એટલે સાચી વાત નહિ માને. એના બાપુને આવવા દિયો વાળુટાણે. એનો ડંગોરો ભાળશે ને, એટલે આફુડી પાંહરી થઈ જાશે.’

‘ભલે !’ કહીને જીવે મૂંગોમૂંગો ૨સ્તે પડ્યો.

જીવાને વીલે મોઢે પાછો જાતો જોઈને સંતુએ ગર્વસ્મિત વેર્યું. પણ હરખની મૂંઝવણનો તો આરંભ જ હવે થવાનો હતો.