ખડકીને બારણે એકઠાં થયેલાં પડોશીઓ કાઉંકાંઉ કરી પડ્યાં.
‘હાય રે હાય ! જીવોભાઈ ખવાહ ઊઠીને વાગડિયાની ખડકીએ આવ્યો ?’
‘કાંઈક ચોરીચપાટીની વાત લાગે છે.’
'કોને ખબર ભઈ ? દરબારની ડેલીએ છોકરી ઓળીપો–બોળીપો કરવા ગઈ હશે ને બેઠકમાં ક્યાંક હાથફેરો કરી આવી હશે—’
‘દરબારી કામ કરવાં કાંઈ સહેલ છે ? હાથ ફૂલ જેવો ચોખ્ખો રાખવો જોઈએ.’
‘બાપુની ડેલીએ તો હજાર ચીજ રેઢી પડી હોય. આમ હાથફેરા કરે તો તો હાલે જ કેમ ?’
‘છોકરી છે પહોંચેલી; હાથફેરો ય કરતી આવે ને પગ આઘોપાછો ય પાડતી આવે.’
‘હા ભઈ જવાન લોઈ છે. સત્તર-સત્તર વરહની સાંઢ જેવડી થઈ તો ય હજી આણુ નથી થ્યું—’
‘ને હવે તો ઓણ સાલ થાશે ય કેમ કરીને ? હાદા ઠુમરને ખોરડે તો દીકરાનો સોગ આવી પડ્યો—’
‘તો પછી થાશે આવા ભવાડા, ને રોજ ઊઠીને ઢેઢફજેતા ! બીજું શું ?’
ડેલી બહાર આવી નુક્તેચિની ચાલતી હતી ત્યારે રાંધણિયામાં ચૂલે રોટલા ઘડવા બેઠેલી હરખના હૈયામાં હોળી સળગી હતી. સંતુ તો ક્યારનું મોઢું ચડાવીને મૂંગી બેઠી હતી; હરખની ભાષામાં કહીએ તો એણે તો તોબરું ચડાવ્યું હતું. તેથી માતા તરફથી પૂછાતા અનેકાનેક પ્રશ્નોમાંથી એકેયનો ઉત્તર એ આપતી નહોતી.
‘આવવા દે તારા બાપાને ! પછી ખબર પડશે તને. ઢીંઢું રંગી નાખશે !’
રોષ ઊભરાય ત્યારે હરખ આવી એકાદ ઉક્તિ સ્વગત