‘હળ તૈયાર કરો, પશુઓને જોતરો ને તૈયાર ખેતરમાં વાવણી શરૂ કરી દો. આપણા ગાને ગાને કણેકણ ઊગો. આ પાકી ગયેલા પડખેના ખેતરમાં લાણી પડવા દો.
‘તરસ્યાં પશુઓ માટે થળાં તૈયાર કરો. આ સદાય ભર્યા ઊંડા શુકનવંતા કૂવામાંથી પાણી સીંચવા માંડો.
‘થળાં તૈયાર છે; ઊંડા ને શુકનવંતા કૂવામાં ડૂબેલ કોસ છલકે છે. ખેંચો, પાણી ખેંચો.
‘હે ક્ષેત્રપાલ ! અમારા ખેતરમાં સ્વચ્છ, મધુર ને ઘી જેવો, આનંદદાયી, અતૂટ, અમારી ગાયોના દૂધ જેવો વરસાદ વરસાવો. મેઘરાજા ! અમારા પર પ્રસન્ન થાઓ.
‘બળદો, આનંદથી કામ કરો. માણસો, આનંદથી કામ કરો; હળ, આનંદથી ચાલો. આનંદથી નાડળ બાંધો; આનંદથી બળદો હાંકો.
‘ઇન્દ્ર ! આ ચાસને સ્વીકાર. પૂષન ! એને આગળ લઈ લે. વરસાદના જળે એ ભરાઈ જાય, અને વર્ષોવર્ષ અમને ધાન્ય આપે.
‘ચવડું જમીનમાં આહ્લાદથી ચાલો, માણસો બળદોની વાંસે વાસે આહ્લાદથી ચાલો. પૃથ્વીને મધુર વરસાદથી ભીંજવો. હે દેવો ! અમારા પર સુખ વરસાવો.