પ્રકરણ પાંચમું
બેડું વહાલું કે આબરૂ ?
ભોળુડો ટીહો !
એણે તો આવતી કાલે પાણી શી રીતે ભરશે એ અંગેની પત્નીની મૂંઝવણનો સરળ ઉત્તર આપી દીધો :
‘બેડું તો રઘા ગોરની હૉટલમાં પડ્યું છે. અબઘડીએ જ લઈ આવું !’
‘તમારે મન તો જાણે હથેળીનો ગળ !' હરખે સંભળાવી. ‘એમ ક્યાં બેડાં રેઢાં પડ્યાં છે !’
‘પણ મને નદીની પાટમાં નહાતાં નહાતાં રઘાબાપાએ કીધું ઈ ખોટું ?’
‘ઈ તે આંયાકણે ય હજાર દાણ કઈ ગયા છે. પણ એમ ક્યાં બાપને ઘીરે બેડાં ઠારી મેલ્યાં છે !’
‘હા રઘાબાપા કાંઈક લાકડી પાછી સોંપી આવવાની વાત કરતા’તા ખરા.’ ટીહો બોલ્યો. ‘લાવો લાકડી ને લઈ આવું બેડું—’
‘લાવો લાકડી ! લ્યો બોલ્યા !’ હરખે પતિની ઉક્તિને વ્યંગાત્મક પુનરોચ્ચાર કરીને કહ્યું, ‘ઈ લાકડીની તે હુંધી ય મોંકાણ છે !’
‘ભલા ઈ શાદૂળભાની શી વાત છે ? મને કિયો જોયીં !’ રઘોબાપો કાંઈક બબડતો'તો ખરો.’
‘પૂછોને તમારી ગગીને, મને શું પૂછો છો ?’ કહીને હરખ મૂંગી થઈ ગઈ.
‘સંતુ, દીકરા ! સરખી વાત તો કર્ય !’ ટીહાએ કહ્યું.