પણ સંતુડી માનતી જ નથી.’
‘જીવોભાઈ આવે કે જીવાનો બાપ આવે. મેં તો ચોખું કીધું કે લાકડીના ધણીને જ મોકલો લેવા.’
‘આવો તંત શું કામ કર છ, દીકરી ?’
‘ઈ વન્યા આ મલકના ઉતાર જેવા માણહ સીધા નો થાય.’
વળી હરખે વચ્ચે ઉમેર્યું : ‘લાકડી ય કોણ જાણે ક્યાં સંતાડી દીધી છે ! હું ગોતીગોતીને થાકી...’
‘ક્યાં સંતાડી છે ?’ ટીહાએ પૂછ્યું.
‘ક્યાંય સંતાડી નથી. મેં સાચવીને મેલી છે. શાદૂળિયો લેવા આવે એટલે સોંપી દઈશ.’
‘પણ શાદૂળિયો જ લેવા આવે એવું કાંઈ લખી દીધું છે ! એવા રાશી માણહને આપણે આંગણે ય શું કામ ઢૂંકવા દેવો ?’
‘આંગણે આવે એટલી જ વાર છે. સંતુએ કહ્યું.’ ‘મૂવાનો હું ય રોફ ઉતારી નાખું, ને સીધોદોર કરી નાખું.’
‘આવા સાવજને શું કામ કે’વું કે તારું મોઢું ગંધાય છે ? ઈને તો છેટા રાખ્યા જ સારા.’
‘ઈ સાવજને મારી સામે ઊભવા તો દિયો એક દાણ ? સોજો સસલા જેવો કરી મેલીશ.’
સાંભળીને ટીહો મનમાં જ થરથરી રહ્યો. છોકરીએ બહુ બળિયા હાર્યે વેર બાંધ્યું હતું. સામા પક્ષે શાદૂળને બદલે કોઈ બીજો માણસ હોત અથવા આ પક્ષે ટીહાને બદલે કોઈ ખમતીધર ખોરડું હોત તો પ્રશ્ન આટલો વિકટ ન બન્યો હોત, પણ ટીહાનું તો સાવ વસવાયાની કક્ષાનું ઘર, ને સામી બાજુ સર્વસત્તાધીશ જેવા તખુભા દરબારનો દીકરો. કાચી ઘડીમાં ટીહાને ગામમાંથી ઉચાળા ભરાવી શકે.
‘બીજું બધું ય તો ઠીક, પણ કાલ્ય સવારે પાણી શેનેથી ભરશું ?’ હરખની દૃષ્ટિએ જે મુખ્ય ચિંતાનો વિષય હતો એ વારંવાર વ્યક્ત થતો હતો.