આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બેડું વહાલું કે આબરૂ ?
૬૧
 


‘મા ! તું બેડાની ફકર્ય કશું કામે કરછ ? કાલ્ય હું આ પાણિયારે ખાલી ગોળા નઈ રેવા દઊં... ગમે એમ કરીને ભરી આવીશ.’

‘હાંડા ને ઘડા વન્યા કેમ કરીને ભરીશ ?’ હરખને હજી સંતુની યોજના સમજાતી નહોતી.

‘કેમ કરીને ભરીશ, એની તારે શી પંચાત ? તારે મમ્‌મ્‌મ્ થી કામ છે કે ટપટપથી ?’

‘તું જાણ્ય ને તારાં કરમ જાણે’ કહીને હરખે તો આ પ્રકરણમાં હાથ ધોઈ નાખ્યા, અને પતિને ઉદ્દેશીને કહ્યું :

‘હાલો, ઊઠો હવે તમે, હાથબાથ ધોવો તો ઝટ રોટલા ભેગા થાવ. સવારના પહોરના ભૂખ્યા હશો.’

‘મને ભૂખ નથી લાગી.’ કહીને ટીહો લમણે હાથ દઈને બેસી ગયો.

ક્યારની અકળાઈ રહેલી સંતુની અકળામણ વધી. ફળિયામાં બાંધેલી કાબરી ભાંભરી તેથી સંતુ ઊઠી. જઈને જોયું તો વાછડીને નીરેલી કડબ ક્યારની એમ ને એમ પડી હતી. કાબરીએ એક પાંદડું ય મોઢામાં નહોતું લીધું. સંતુને નવાઈ લાગી. રોજ તો પૂરો એક કડબ ભરડી જનારી વાછડી આજે આમ કેમ કરે છે ? એણે કાબરીની ડોક ઉપર વહાલસોયો હાથ ફેરવવા માંડ્યો, પણ ત્યાં તો એ મુંગા જીવે મણ એકનો નિસાસો મૂક્યો તેથી સંતુ ચોંકી ઊઠી. અર૨૨ કાબરી, તને ય આજ શું થયું છે ! મારા મનની વાત જાણી ગઈ કે શું ? ‘એલી છોકરી ! ઊઠ્ય હવે ઊઠ્ય, વાછડી હાર્યે રમત્યરોળાં કરતી ઊઠ્ય ઝટ, વાળુ અસૂરાં થાય છે.’ હરખે કર્કશ અવાજે પુત્રીને આદેશ આપ્યો, ને પછી સંભળાવ્યું : ‘કાલ્ય સવારે સાસરે જાઈશ, ત્યાં આવાં રમત્યરોળાં કેમ કરીને હાલશે ?’

હરખનો આ ટોણો સાંભળીને સંતુને એવી તો ચીડ ચઢી કે એણે ફળિયામાંથી જ સંભળાવી દીધું : ‘મારે વાળુ નથી કરવું !’