આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
લીલુડી ધરતી
 


‘લાગે જ. ભૂંડા માણહનો સહુને ભો.’

‘એટલે તો હું હંધી ય લાજમરજાદ છોડીને તમારી આગળ ખોળો પાથરું છું.’

‘ભલે પાથર્યો, દીકરી ! તું તો મારા ઘરની લખમી છો. કાંઈ વપત્ય પડે તો મારું માથું માગી લેવાનો તને હક છે.’

‘અટાણે તો માથું નહિ પણ બે ઠામવાસણ માગવા આવી છું.’

‘ઠામવાસણ ?’

‘હા, એક હાંડો ને એક ઘડો. લાકડીના બાનામાં રઘલો મા’રાજ મારું બેડું દબાવીને બેઠો છે. હવે મોઢામાં તરણું લઈને ઈ બેડું છોડાવવા જાવાની નાનમ મારે નથી જોતી’

‘મને ય એ નાનમ નથી ગમતી.’ હાદા પટેલે પાણિયારા તરફ આંગળી ચીંધીને કહ્યું. ‘લઈ જા, બેડું.’

‘સાચે જ ?’

‘હા. એમાં શું ? આ બેડે ને આ પાણિયારે ય અંતે તે તારે જ પાણી ભરવાનાં છે ને ? જાતે દી’એ તારે જ આ ઘરનો ભાર ઉપાડવાનો છે ને ? તે કાલ્યથી જ ભરવા માંડ્ય પાણી ! બે બેડાં આંહી રેડજે ને બે બેડાં ટીહાને પાણિયારે રેડજે.’

સાંભળીને સંતુ હરખાઈ ઊઠી. પોતાની માગણી આટલી સરળતાથી સ્વીકારાઈ જશે એવી એણે આશા નહોતી રાખી.

‘સાચે જ આ બેડું લઈ જાઉં ?’

‘હા. હું કહું છું ને ? અબઘડીએ જ લઈ જા ! આમે ય ઓલ્યું નંદવાયેલું બેડું અપશકન કરાવે. હવે ઈ આપણે ધોળે ધરમે ય પાછું નો જોયીં. હું શાપર હટાણે જાઈશ તંયે નવું બેડું લેતો આવીશ. ત્યાં લગણ આ આપણી હેલ્ય–ગાગરથી હલાવી લે, દીકરી !’

શ્વશુરને મોઢેથી આવા શબ્દો સાંભળીને સંતુ શાતા અનુભવી રહી. એના ઉદ્વિગ્ન ચિત્તમાંથી સઘળો ઉદ્વેગ ઓસરી ગયો. છેક