‘ખાલી ખાટલો બચારો રોતો હશે તારા વન્યા !’
ખડકીમાં પ્રવેશતાં સંતુએ જોયું કે ટીહો તો હજી ય એની લાક્ષણિક ઢબે લમણે હાથ દઈને બેઠો હતો અને પુત્રીની પ્રતીક્ષા કરતો હતો. હરખ હજી ય પુત્રીને બહુ મોઢે ચડાવવાના ગેરફાયદાઓ વર્ણવતી ઓસરીમાં ઠારેલા દૂધના દોણામાં મેળવણ નાખવાની તજવીજ કરતી હતી.
‘મા ! દોણે મેળવણ નાખજે મા !’ સંતુએ ડેલીમાં પ્રવેશતાં જ સૂચના આપી.
‘એલી આ... આ બેડું કોને બદલી આવી ?' હરખે ચિંતાતુર અવાજે પૂછ્યું. ‘આપણો ઊભા ઘાટનો હાંડો મેલીને આવા બેઠો— !’
‘હવે ઊભા ઘાટ ને બેઠા ઘાટની પંચાત પછી કરજે ને ? અટાણે તો ઝટ વાળુ કાઢ ! ભૂખ ઠીકઠીકની લાગી છે.’
હરખે દોણામાં મેળવણ નાખવાનું માંડી વાળીને સંતુએ પાણિયારે મૂકેલું નવું બેડું અવલોકવા માંડ્યું. થોડી વારે એ બોલી ઊઠી :
‘એલી, આ તો ઠુમરના ઘરનું બેડું છે ! દેવશીની વઉ ઊજમની ઇંઢોણી ઉપર રોજ જોઉં છું ઈ જ.’
‘તારે સાસરેથી બેડું લઈ આવી ?’ ટીહાએ પૂછ્યું.
કાબરીને માથે હાથ પંપાળવા પહોંચી ગયેલી સંતુએ ત્યાં દૂર ઊભાં ઊભાં જ ઉત્તર આપ્યો :
‘કાળા ચોરને ઘેરથી લઈ આવી. એની તમારે શી પંચાત ? તમારે તો બેડું જોતું’તું ને ?’
અને કશું વધારે બોલ્યા વિના સંતુએ હાથમાં કડબનો પૂળો લઈને કાબરીના આગળ ધર્યો : ‘લે હવે બવ વાયડી થા મા, ને ખાઈ લે મૂંગી મૂંગી.’
આ મૂંગુ પ્રાણી પણ કેમ જાણે સંતુનું મનોગત પારખી