આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
લીલુડી ધરતી
 

ગડમથલમાં પડ્યા છે.

ઊંબરામાં પાથરેલી પછેડીમાં ઊજમે મૂઠી જુવાર મૂકી એટલે હાદા પટેલે પછેડીને છેડે એની પોટલી વાળી લીધી. થાનકે લઈ જવાના દિવેલિયા તરીકે આ ઘરમાં ચચ્ચાર પેઢીથી વપરાતી કાંસાની વાટકીમાં થોડું ઘી લઈને હાદા પટેલ ડેલી બહાર નીકળ્યા ત્યાં સામેથી ઉમંગભેર આવી રહેલી સંતુના માથા ઉપર ઝગમગતું બેડું જોયું.

શ્વશુરને જોઈને સંતુ શેરીની બાજુએ તરીને આડું જોઈને ઊભી રહી ગઈ, એટલે હાદા પટેલે કહ્યું :

‘હાલી આવ્ય, પાધરી હાલી આવ્ય ! સારાં શકન કરાવ્યાં તેં... શરમાજે મા, ને પાધરી હાલી આવ્ય !’

સંતુ ડેલી તરફ આવી એટલે હાદા પટેલ પ્રસન્ન ચિત્તે ખેતરને રસ્તે પડ્યા. પોતે મુગ્ધપણે માની લીધેલા આ ‘શુભ શુકન’ પરથી એમને ખાતરી થઈ ગઈ કે સતીમાને થાનકેથી આજે સાનુકૂળ ઉત્તર મળશે.

ખેતરે પહોંચતાં પહેલાં ઓઝતની ઉગમણી પાટમાં એમણે ખંખોળિયું નહાઈ લીધું : પાટમાં મહંત ઈશ્વરગિરિ પણ નહાઈ રહ્યા હતા. એમણે હાદા પટેલને પૂછ્યું :

‘આજે તો કાંઈ બહુ વહેલા નાહવા આવી પૂગ્યા ?’

‘અમે તો મજૂર માણસ. દિ’ના ભાગમાં વેળું જડે, ન જડે.’ હાદા પટેલ આ મહંત પ્રત્યે મનમાં ને મનમાં ચિડાઈ રહ્યા. દીકરો દેવશી આ બાવાને રવાડે ન ચડ્યો હોત તો આજે ઘરનો મોભ થઈને બેઠો હોત પણ આ લોટમગાએ એને વૈરાગ્યની લત લગાડીને પારકાને જતિ કર્યો, પોતે અહીં ભૂતેશ્વર મહાદેવની રજવાડી ગાદી ઉપર પારકે પૈસે તનકારા કરે છે, ને મારા કંધોતરના હાથમાં કમંડળ પકડાવી દીધું...

હાદા પટેલે દેવશીની વિદાયના સમયની બરોબર ગણતરી કરી