આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મહેણાંની મારતલ
૯૭
 

કેમ પણ નિઃશબ્દ ડૂસકાં વડે જ જવાબ આપી રહી હતી.

સાંભળીને હાદા પટેલ ડઘાઈ ગયા. આ વિષયની જે લોકવાયકાઓ એમને કાને આવી હતી, એ તો આ સાગરપેટા માણસે સાવ હસી કાઢી હતી. પણ એ જ વાયકાઓનું ઊજમને મુખેથી ઉચ્ચારણ સાંભળીને એમને અદકો આઘાત લાગ્યો; અને એમાં એ સંતુનાં દૈન્યસૂચક ડૂસકાં સાંભળીને તો મોટી વહુ ઉપર એવી દાઝ ચડી કે ઘડીભર તો થઈ આવ્યું કે પુત્રવધૂ અને શ્વશુર વચ્ચેની સઘળી મર્યાદાઓ લોપીને રાંધણિયાની અંદર ધસી જાઉં અને આવી હીન વાણી ઉચ્ચારી રહેલી ઊજમની જીભ જ ખેંચી કાઢું; પણ બીજી જ ક્ષણે એ વિચાર માંડી વાળ્યો. સાંભળેલાં વેણ ખમી ખાધાં. રખે ને પોતાની દરમિયાનગીરીની કશી ગેરસમજ થાય એ બીકથી એમણે તત્કાળ તો કડવો ઘૂંટડો ગળી નાખ્યો અને ઊજમની જીભાજોડીને આગળ અટકાવવાના સંકેત તરીકે મોટેથી ખોંખારો ખાધો.

અસ્ત્રાની ધાર જેવી ઊજમની જીભ તો એકાએક અટકી ગઈ પણ ક્યારની ક્રંદન કરી રહેલ સંતુનાં ડૂસકાં કાંઈ ચાંપ દાબવાથી બત્તી બુઝાઈ જાય એટલી ઝડપે થોડાં બંધ થઈ જવાનાં હતાં ? એના મૂંગા રુદનમાં હવે એક વધારે ચિંતા ભળી. ઉજમે ઉચ્ચારેલા નાલેશીભર્યા મેણાંઓ શ્વશુર સાંભળી ગયા હશે ? જેઠાણી મારી ઉપર જે નરાતાળ જૂઠાં આળ ચડાવી રહી છે એ એમને કાને પડી ગયાં હશે ?

અને સંતુના સંતપ્ત હૃદયમાં એક વધારે સંતા૫ ઉમેરાયો. એ શ્રાવણિયા સોમવારે અજવાળી કાકી ઊભી શેરીએ જે ન–બોલ્યાંનાં વેણ બોલી ગયાં, એ સસરાના કાન સુધી પહોંચ્યાં હશે ? એમણે એ ગામગપાટા સાંભળ્યા હશે તો મારે વિષે કેવો હીન અભિપ્રાય બાંધી બેઠા હશે ?... પણ તો પછી એમણે સાચી વાત શી છે એ