આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ પહેલું

અપરાધ અને આળ

સંતુની ચીસ સાંભળીને ડાઘિયો કૂતરો જાણે કે કશુંક પામી ગયો હોય એમ ભસી ઊઠ્યો.

કૂવામાં થયેલા ધડાકા સાથે જ હવામાં ઊડેલો ગોબરનો છૂટો હાથ જોઈને તુરત સંતુ કૂવા તરફ દોડી ગઈ.

ડાઘિયો પણ એની પાછળ પાછળ ગયો.

ધડાકો થતાં જ એક ભયંકર અટ્ટહાસ્ય કરી ઊઠેલો માંડણ પોતે પણ જાણે કે ધડાકો સાંભળીને અને એનું આખું દૃશ્ય જોઈને હેબતાઈ ગયો.

ટોટો ફૂટતાં ચડેલા ધુમાડાના ગોટા આછરતાં સંતુએ કૂવાના થાળા પર ઊભીને અને મંડાણના પથ્થર પર હાથ ટેકવીને બીતાં બીતાં કૂવાની અંદર ડોકિયું કર્યું, અને ફરી વાર એ કારમી ચીસ પાડી ઊઠી. કૂવાને તળિયે પડેલા ગોબરના છિન્નભિન્ન વિકૃત અને બિહામણા બની ગયેલા મૃતદેહનું દૃશ્ય એ જીરવી ન શકી. એને આંખે અંધારાં આવી ગયાં. કમકમાં પ્રેરે એવું દૃશ્ય જોઈને એ રોમેરોમ કમ્પી ઊઠી. ચક્કર આવતાં, પોતે લથડી પડશે એવું લાગ્યું. તુરત એણે બીજા હાથ વડે મંડાણમાંનો ગરેડો પકડી લીધો અને સમતોલપણું જાળવી લીધું.

થોડી વારે આંખ ઉઘાડી તો સામે માંડણ ગૂમસૂમ બનીને ઊભો હતો. થોડી વાર પહેલાંના એના મોં પરના પેલા અટ્ટહાસ્યની રેખાઓ હવે આછીપાતળી ય રહી નહોતી. એ અટ્ટહાસ્ય પ્રેરનાર