આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
લીલુડી ધરતી-૨
 

 સંતુના પગ ધ્રૂજી ઊઠ્યા. હમણાં આ ખડકીના ઊંબરામાં સૂતેલો ડાઘિયો જાગી જશે અને મારી આખી યોજના ઊંધી વાળશે ?

થડકતે હૃદયે એ આગળ વધી અને એના સદ્‌ભાગ્યે, જાણે કે એના આખરી પ્રયાણને રક્ષણ આપવા જ, ડાઘિયો આંખ મીંચીને પડ્યો રહ્યો.

બીજું સદ્‌ભાગ્ય એ સાંપડ્યું કે ઊભી બજારે કોઈ સામું ન મળ્યું. ઝાંપા વાટે બહાર નીકળવાને બદલે એણે ત્રાંસો મારગ લીધો. રખે ને કાસમ પસાયતો ચૂંગી ફૂંકતો બેઠો હોય અને પોતાને પકડી પાડે તો ? એથી ઝાંપામાંથી પસાર થવાને બદલે એ પસાયતાની કોટડીની નવેળીમાંથી નીકળી ગઈ અને હડમાનની દેરીની બાજુમાં ઊભેલા મેલડીમાના નીચા ખામણાના થાનક ઉપર ઠેક લઈને બહાર નીકળી ગઈ.

કૂવાને, કાંઠે હેમખેમ પહોંચી ગઈ. સરસ મજાનું એકાંત હતું. પોતાની જીવાદોરી પોતાને જ હાથે ટુંકાવવાનો આવો મનગમતો મોકો મળી ગયા બદલ હજી તો એ મનમાં ને મનમાં હરખાતી હતી ત્યાં તો ભૂતેસરના ઓવારાની દિશામાંથી જુસ્બાના એકાનો ખખડાટ સંભળાયો... હવે ? કૂવામાં ઝંપલાવવું કે ન ઝંપલાવવું ? ઝાઝો વિચાર કરવાનો અવકાશ નહોતો. રખે ને પોતે વાવમાં પડે, ને આ જુસ્બો એના ધુબાકાનો અવાજ સાંભળી જાય, ગોકીરો થાય, અને લોકો એને જીવતી બહાર કાઢે તો ? તો તો કશો અર્થ સરે નહીં એટલું જ નહિ, ગામમાં નાહકનો ફજેતો થાય.

એમણાને મળવાને ઉત્સુક જુસ્બાએ એના ગળિયલ બળદને આર ઘોંચી અને એકાએક વેગ પકડ્યો. હાય રે હાય ! આ તો આંખના પલકારામાં જ પાણીશેરડે આંબી લેશે. હવે તો ધુબાકો ય કેમ કરીને મરાય ? જુસ્બો તો મને ભાળી જ ગયો હશે. વાંસોવાંસ જ એ બાજોઠિયો મારીને કૂવામાં જ ખાબકે કે બીજું કાંઈ ? ના, ના, આજે લાગ નહિ ફાવે, ફરી દાણ આવીશ, એમ વિચારીને એ