આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લીલુડી ધરતી-૨
 

ઉન્માદ જેટલી જ ભારોભાર શૂન્યતા એના ચહેરા પર છવાઈ ગઈ હતી.

‘મૂવા રાખહ ! આ શું કરી બેઠો ?’ તીવ્ર આઘાત અનુભવી રહેલી સંતુના ધ્રૂજતા હોઠમાંથી લાવા રસ જેવા શબ્દો નીકળ્યા.

‘મૂવા કહાઈ ! જાણી જોઈને જ તેં વાટ્ય સળગાવી દીધી ! બાર્ય નીકળ્યા મોર્ય તેં પલીતો મેલી દીધો ! મેં વાર્યો તો ય તેં સાંભળ્યું નહિ ને એને હાથે કરીને વધેરી નાખ્યો, મૂવા ખાટકી !’

કુપિત ચંડિકા સમી સંતુએ માંડણને ભાંડવામાં કશું બાકી ન રાખ્યું. પણ માંડણના તો જાણે કે હોઠ જ સિવાઈ ગયા હતા. એ હત્યારાનું ભેદી મૌન જ સંતુ માટે ભયપ્રેરક બની રહ્યું.

એકાએક એને ભાન થયું કે માંડણ અત્યારે ઉન્માદાવસ્થામાં છે અને હું એકલી છું.

ડાઘિયો કૂતરો તો જાણે કે ગંધ પરથી જ કૂવાના તળિયે ભજવાઈ ગયેલી સંહારલીલા સમજી ગયો હોય એમ ભસવા લાગ્યો હતો. હવે એ એક ખોડીબારા પાસે જઈને વધારે ઉગ્રતાથી ભસતો હતો, એ ચોપગું પ્રાણી ખોડીબારાની બહાર આગલા બે પગ મૂકીને ઊભું હતું, અને બહાર જવા માટે જાણે કે કોઈકના સથવારાની રાહ જોઈ રહ્યું હતું. અને તેથી વધારે ને વધારે ઉગ્ર અવાજે ભસી રહ્યું હતું.

ગોબર પર માંડણે આચરેલી છળલીલા જોઈને સંતુનું મગજ બહેર મારી ગયું હતું. અને એમાં એકાએક એણે માંડણની શૂન્ય આંખોમાં એક વિચિત્ર ચમક જોઈ. લોલુપ પુરુષની આંખોમાં લખાયેલી લિપિ ઉકેલવામાં પાવરધાં સ્ત્રીહૃદયોને શી વાર લાગે ? તુરત સંતુ સાવધ થઈ ગઈ. આમ તો તે ગામમાં જઈને શ્વશુરને આ બનાવની જાણ કરવી કે ગોબરના છિન્નભિન્ન મૃતદેહને બહાર કાઢવો, એની દ્વિધામાં અટવાયેલી હતી, પણ હવે માંડણની આંખમાંથી પહેલી જ વાર આ કામુક ભાવો વાંચ્યા પછી આ નમતી સંધ્યા સમયે આ નિર્જન વાડીમાં એક ઘડી પણ થોભવાનું એને સલામત ન લાગ્યું.