આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઠાકરદુવારે
૧૧૯
 

 પંચાણભાભાને જીવતો રાખ્યો હશે ને ખોંખારો હું સાંભળી ગયો એટલે જ મારા ઉપર ખિજાણાં હશે ?

પણ અત્યારે સંતુની ચિન્તામાં ડૂબેલા રઘાને આ ખોંખારાનો ભેદ ઉકેલવા બેસવાનો અવકાશ જ નહોતો. એના અંતરમાં તો એક જ ઉચાટ હતો. સવારના પહોરમાં સંતુની થનારી નાલેશી શી રીતે અટકાવવી ? જઈને નથુ સોનીને સમજાવું ? જઈને અજવાળીકાકીના પગમાં પડું, ને કહી દઉં કે હવે હદ થાય છે, સંતુ ઉપર વેર વાળવામાં હવે હાંઉ કરો. તમે તો વાતનું વતેસર કરી નાખ્યું. તમારા પોતાના ઘરની એબ ઢાંકવા જાતાં તમે તો એક પારકી જણીનું જીવતર સળગાવી રહ્યાં છો. તમે પેટનાં દાઝ્યાં ગામ બાળવા નીકળ્યાં છો... પણ ઘાએ ચડેલાં અજવાળીકાકી માનશે ખરાં ? એમને કેમ કરીને સમજાવું કે સંતું પણ તમારી જડી સમાણી દીકરી જ છે ? એના ઉપર આવાં આકરાં વીતક ન વિતાડાય ?... પણ અટાણે વેરના ઝનૂનમાં મારી વાત કાને ધરે જ શેનાં...?

રઘાને એક બીજો ઉપાય સૂઝ્યો. આ બધું કૌભાણ્ડ ઊભું કરનાર ઘૂઘરિયાળાને ચાવી ચડાવનાર જીવા ખવાસને ડારો દઈ આવું ? મારા પૂર્વજીવનના મારકણા રઘાનો એને પરચો દેખાડું ? શાપરની અદાલતમાં જુબાની દેવા જતી વેળા જીવા સામે જે બળ વડે ઝીંક ઝીલી હતી એ બળ આ વેળા પણ અજમાવું ?... પણ બીજી જ ક્ષણે રઘાને એ તરકીબની વ્યર્થતા સમજાઈ ગઈ... ગામ આખું જ્યારે પાખણ્ડની પૂજા કરી રહ્યું છે, ત્યારે હવે એકલા જીવા ખવાસને સમજાવવાથી કશું વળે એમ નથી. ગામના મોભી ભવાનદા, પણ હવે ભવાનદા નામની એક વ્યક્તિ રહ્યા નહોતા; સમગ્ર લોકોમાં વ્યાપેલ વહેમ, અંધશ્રદ્ધા, ભય અને પાખણ્ડનાં બળોના એ એક પ્રતીક બની રહ્યા હતા. આ બળો એવાં તો ઉગ્ર હતાં કે હવે એ ઉશ્કેરાયેલી લોકલાગણીને ઊવેખવાનું મુખીનું ગજું નહોતું. અને હવે તો ગામવાસીઓનું ઝનૂન એટલી હદે પહોંચ્યું હતું કે