આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
લીલુડી ધરતી–ર
 


કાઢતાં ઊંટ પેસશે—’

પણ જીવો આવા કલ્પિત ભયથી ગભરાઈ જાય એવો કાયર નહોતો. એણે જોરશોરથી રઘાની દાંભિકતા ઉપર પ્રહારો કરી કરીને લોકીને ઉશ્કેરવા માંડ્યા. તાબડતોબ મુખીને તેડાવ્યા, ઓઘડભૂવાને હાજર કર્યો અને કશી ય રોકટોક વિના વેઠિયા કણબીઓને બોલાવીને જબરદસ્ત કડાઈમાં તેલ ઉકાળવા મુકાવ્યું.

થોડી વાર વાતાવરણ તંગ બની રહ્યું. રખે ને લોકની સહાનુભૂતિ સંતુ તરફ કે રઘા તરફ વળી જાય એ ભયથી જીવો હાકલાપડકાર કરતો રહ્યો :

‘આવા તો કૈંક ધુતારા જોઈ નાખ્યા ! આમ તર્કટ કર્યે કોઈ ભરમાઈ નહિ જાય—’

જીવાની હાકલનેય અવગણીને કેટલાક સમજુ માણસેએ રઘાને સમજાવવા પ્રયત્ન કરી જોયો, પણ રઘો મક્કમ જ રહ્યો.

‘કાં તો ગામમાં હું નહિ ને કાં આ પાખણ્ડ નહિ—’

‘પણ આવી આકરી ટેક ન લેવાય—’

‘મરવાનું તો એક જ વાર છે ને ?’ રઘો કહેતો હતો, ‘તો ખાટલે પડીને પિલાઈ પિલાઈને મરવા કરતાં આ ઠાકરદુવારે આવા પુન્યના કામમાં શું કામે ન મરું ?’

‘હવે જોયો મોટો પુન્યશાળીનો આવતાર ?’ જીવો હાકોટા કરતો હતો ‘જિંદગી આખી ગોરખધંધા કર્યા ને હવે હાથમાં માળા લઈને બેઠો છે !’

સૂત્રધારના દિગ્દર્શન અનુસાર ઓઘડભૂવો ધૂણવા લાગ્યો.

કડાઈમાં તેલ ઊકળવા લાગ્યું.

મંદિરના પ્રાંગણમાં મેદની હકડેઠઠ થઈ ગઈ.

‘બરકો સંતુને ! ધરમના કામમાં ઢીલ કેવી ?’

થોડી વારમાં સંતુ હાજર થઈ અને સઘળી આંખો રઘા પરથી ઊઠીને સંતુ ઉપર ઠરી.