આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આઠ ગાઉ આઘી કાઢો
૧૨૫
 

 કરવા જ ઉગ્ર અવાજે બરાડો પાડી દીધો: :

‘થઈ ગ્યું પારખું ! સુરજદાદાની સાખે ને ગામ આખાની નજર નીચે પારખું થઈ ગ્યુ!’

પણ ગામલોકો તો સંતુનો આ સ્વર સાંભળીને જ એવાં તો સ્તબ્ધ થઈ ગયાં કે જીવાએ ઉચ્ચારેલા આ તહોમતનામામાં સૂર પુરાવવા જેટલી એમનામાં સ્વસ્થતા જ નહોતી. તેઓ તો કરુણ સિસકારા બોલાવી રહેલી ને ઊજમના બાહુમાં ઢગલો થઈને પડેલી. સંતુની અગનવેદનાના ઉપચાર સૂચવવામાં જ રોકાયાં હતાં.

‘હાથ ઉપર ચૂનાની આશ નિતારીને રેડો—’

‘ના ના, દીવેલ ચોપડો, એટલે ફડફોલા બેસી જાય—’

‘ગાલાવેલા થાવ મા ! આ કાંઈ રોટલો ચોડવતાં તાવડીની ઝાળ અડ્યાનો ફડફોલો નથી કે ફૂંક માર્યા ભેગો બેસી જાય. આ તો બે ય હાથ ભડથાં થઈ ગ્યા છે. એને તો શાપરને દવાખાને પાટો જ બંધાવવો પડશે—’

પાપી ઉપર પિસ્તાળ પાડવાને બદલે લોકો એના ઉપર આવો પ્રેમ વરસાવી રહે એ જીવાને કેમ કરીને પોસાય ? એણે ફરી વાર ત્રાડ નાખી :

‘પારખુ થઈ ગ્યું છે ને આપણો વે’મ સાચો પડ્યો છે. કેમ બોલ્યો નહિ ઓઘડભાભા ?’

‘હવે આમાં બોલવાની જરૂર જ ક્યાં રઈ છે ?’ રતાંધળા ઓઘડભાભાએ કહ્યું. ‘આંધળું માણહે ય ભાળે એવું દીવા જેવું દેખાયું છે કે મારી મેલડી માનો કોપ સાચો છે. બાઈનું પા૫ છતુ થઈ ગ્યું... એના પેટમાં પારકાનું ઓધાન—’

સાંભળીને કેટલાક શ્રેતાઓએ મોઢેથી ડચ ડચ ડચકારા બોલાવીને આ પાપિણી પ્રત્યે તુચ્છકાર દર્શાવ્યો. બીજાં કેટલાંક ઓઘડભૂવાના આ ધોકાપથી ન્યાય પ્રત્યે શંકા સેવીને મૂગાં રહ્યાં અને બાકીનાં તો હજી પણ સંતુની અગનવેદના ઓછી કરવા માટે વિવિધ ઉપચાર