આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આઠ ગાઉ આઘી કાઢો
૧૨૭
 


આવી ગયાં હતાં. આવી જ એક ત્રીજી વ્યક્તિ હતી ઊજમ. આજ સુધીમાં સંતુ ઉપર કલંકારોપણ કરવામાં જેણે કશી ય કમીના રાખી નહોતી; એ જેઠાણી અત્યારે સંતુનું દારુણ દુઃખ જોઈને પીગળી ગઈ હતી અને મન મૂકીને રડી હતી. વેદના સંતુ અનુભવતી હતી અને એને રુદન વાટે વાચા જાણે કે ઊજમ આપી રહી હતી.

‘હુઉઉ... હુઉઉ... હુઉઉ...’ હાથકડી, જેલ, ફોજદાર વગેરેની વાતો સાંભળીને ઓઘડને એકાએક શૂર ચડ્યું; એ ફરી ધૂણવા લાગ્યો.

‘હુઉઉઉ... હુઉઉઉ...’ કરીને એણે મેલડીનાં ગીતો ગાવા માંડ્યાં. એ સટીક ગીતની એકેકી તૂક વચ્ચે ઓઘડ પોતે જ ઊપજાવી કાઢેલી મલ્લિનાથી ઉમેરવા લાગ્યો :

‘હું મારી સાત સૈયરું હાર્યે રથમાં બેહીને રમવા નીકળી’તી તયેં આ પારકાં ઓધાનવાળીએ મને અભડાવી.’

અને મેલડીના સાક્ષાત્કારની ખાતરી કરાવવા ઓધડે સિફતપૂર્વક મોઢામાંથી નાડાછડી કાઢી આપી અને ચપટી ચોળીને એમાંથી કંકુ પણ વેર્યું અને પછી હૂક... હૂક... હૂક કરીને મોટે હાકોટે ધૂણવા માંડ્યું.

ફરી ભીરુ લોકો ભાવુક બની ગયા અને આ પાખંડી ભૂવાને મેલડી પ્રમાણીને પ્રણિપાત કરી રહ્યાં.

ઓઘડને આ અંધશ્રદ્ધાળુ લોકોની રગ હાથમાં આવી કે તુરત એણે ગીતની તૂક વચ્ચે ગદ્ય-ટિપ્પણ ઉમેરી દીધું :

‘મને અભડાવનારીનો ઓછાયો મારા થાનકથી આઠ ગાઉ આઘો કાઢો—’

‘કાઢશું મા ! કાઢશું; આઠ શું અઢાર ગાઉ આઘી કાઢી આવશું.’ ડોસાંડગરાંઓએ પાઘડીઓ ઉતારી ઉતારીને ઓઘડને દંડવત્‌ નમસ્કાર કરતાં કોલ આપ્યો અને પછી યાચના કરી :

‘તમે કે’શો એમ કરશું. પણ હવે ભલાં થઈને ગામ ઉપર