આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તાતી તેગ
૧૪૩
 


પાણી પીધાં હતાં. પોતાની મૂછ ખંખેરે તો એમાંથી દસ જીવા ખવાસો ખરે એટલી રઘાની ગુંજાશ હતી. પણ એ તો એના પૂર્વાશ્રમની વાત થઈ. હવે એ ગુંજાશ કે મુત્સદ્દગીરી કામે લગાડવાની એની ઈચ્છા નહોતી. અત્યારે તો એના દિલમાં ‘દલ્લી દેખો, બમ્બઈ દેખો !’ની શબ્દાવલિએ જ એવું તો ઘમસાણ મચાવી મૂક્યું હતું કે ડાહ્યોડમરો બનીને પગે પડતો આવેલો જીવો શું બોલી રહ્યો છે એ સાંભળવામાં ય એને રસ રહ્યો નહોતો...

અડધી દુનિયા પગ તળે કાઢી ચૂકેલ રઘો અત્યારે ‘દલ્લી દેખો, બમ્બઈ દેખો !’ના ઈજન દ્વારા માત્ર દિલ્હી કે મુંબઈ જેવાં શહેરો નહિ પણ પોતાની ગત જીવનયાત્રાનાં વિવિધ ધામો નિહાળી રહ્યો હતો. કેવી બહુરૂપી ને બહુરંગી એ યાત્રા હતી !... ઝડપભેર જિવાઈ ગયેલા એ ગત જીવનનું આખું ય ફલક અત્યારે ભાતીગળ ચૂંદડીની જેમ રઘાની નજર સામે ઉપસી આવ્યું.

આ યાત્રાનો યાત્રી હું પોતે જ હતો ? રઘાના મનમાં એક વિચિત્ર પ્રશ્ન ઊઠ્યો. અલકમલકમાં વંટોળિયાની જેમ ઘૂમી વળનાર, અનેકાનેક વેશ ધારણ કરનાર, કંઈ કંઈ સારાનરસાં કૃત્યો કરનાર, નેકી અને બદીની એક વિલક્ષણ ગંગાજમની જેવું જીવન જીવી જનાર હું પોતે જ હતો.

‘રઘાબાપા ! આ હંધાં ય પાપનાં મૂળમાં નથુ સોની જ હતો. અજવાળીકાકીએ અમને સહુને ઊંબેળ્યાં’તાં. ધણીને ખારે શોક્યનો ખાટલો સળગાવી મેલે ઈ માંયલાં અજવાળીકાકી. પોતાનાં ઢાંકવા પારકાંનાં ઉઘાડવા ગઈ, પણ કૂડકપટ ક્યાં સુધી નભે ? શંકરભાઈ ફોજદાર એની ધૂળ કાઢી નાખશે... ને ઘીના ઠામમાં ઘી પડી રહેશે. આજ સંતુને અભેદાન સમજી લ્યો, ને હવે આ કટારી મ્યાન કરો ! આ ગામનાં પાપ તો આવી ભરાણાં છે ને એમાં વળી બ્રહ્મહત્યાનું નવું પાતક ચડશે.’

જીવાને ભય તો એ હતો કે રખે ને રઘો પેટકટારી ખાઈ