આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભીતરના ભેદ
૧૫૩
 

 શંકરભાઈએ પૂછ્યું : ‘બાઈ ! તારું નામ શું ? ગામ કિયું ?’

ડોસીએ વળી પાંચ–સાત બોલીઓનું મિશ્રણ કરીને એવો તો બબડાટ કર્યો કે ફોજદાર પણ હસવું ખાળી ન શક્યા.

કાસમે કહ્યું : ‘સાબ ! ઈ તો બનાવટ કરે છે. બાકી મૂળ તો આ ગામની જ સુતારણ્ય છે, એમ સહુ વાતું કરે છે—’

‘હવે રાખ્ય, રાખ્ય ! આ તી કાંઈ ગુંદાહરની ડોહલી છે ? આ તો કાબુલણ્ય છે, કાબુલણ્ય—’

‘અરે પણ ઓઘડભાભો તો કિયે છ કે આ અમથી સુતારણ્ય જ છે. રઘો મા’રાજ નાનપણમાં ગામમાંથી ભગવી ગ્યો’તો ઈ જ—’

‘એલા તું ય ગધાડાને તાવ આવે એવી વાત કર છ ? ફોજદારે કાસમની વાત ફરી હસી કાઢી, ‘ક્યાં રઘો મા’રાજ, ને ક્યાં પરમલકની કાબુલણ્ય !’

સોનાનાં ઓમ્‌કાર–માદળિયાં કાપનાર તથા છોકરાંઓને ઉઠાવી જનાર ગુનેગારનું પગેરું કાઢવાનો પોતાનો પ્રયત્ન નિષ્ફળ ગયો એમ સમજીને શંકરભાઈ પાછા ફરવાની તૈયારી કરતા હતા ત્યાં જ ભૂધર મેરાઈના વલ્લભે શ્વાસભેર આવીને સમાચાર આપ્યા :

‘ધોડજો, ધોડજો કાસમભાઈ ! રઘા મા’રાજ પેટકટારી ખાઈને લોહીના પાટોડામાં પડ્યા છે—’

‘હેં !’ કોઈએ નહિ ને ડોસીએ જ ચીસ પાડી અને તુરત એ ચોરાની દિશામાં દોડી.

‘આ ઉપાધિમાં નવી ઉપાધિ... ઠાલા મોફતનો પંચક્યાસ કરવાની પીડા... એમ બબડતા બબડતા ફોજદાર અને કાસમ ચોરા નજીક પહોંચ્યા ત્યારે રઘાના મૃતદેહ સમક્ષ પડીને ડોસી હૈયાફાટ કલ્પાંત કરતી હતી.

જોનારાઓને તો હસવું ને હાણ્ય જેવો બેવડો અનુભવ થઈ રહ્યો. ડોસી આમ તો ધ્રૂસકે ધ્રૂસકે રડતી હતી ને મોઢામાંથી રઘાને મણમણની ગાળો સંભળાવતી જતી હતી.