આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભીતરના ભેદ
૧૫૫
 

 છેક સમી સાંજે રઘાની લાશની સોંપણી કરી.

રઘાએ ખેાળે લીધેલો ગિરજાપ્રસાદ વાસ્તવમાં તો એનો પોતાનો જ પુત્ર છે, અને લોકલાજે એને આશ્રમમાં મૂકવો પડેલો ત્યાંથી એને પાછો લાવવામાં આવ્યો છે, એવી જાણ થતાં હવે લોકો આશ્ચર્ય અને આનંદની બેવડી લાગણી અનુભવી રહ્યાં.

‘હવે સમજાણું ઓલ્યા વાજાંવાળા આવ્યા તંયે રઘો એના ઉપર આટલો બધો વરસી કેમ પડ્યો’તો !’

‘ઈ તો હધું ય લાભેલોભે જ, આમ તો કોઈને છાંટ ન નાખનારો રઘો ઈ વાજાંવાળાને અચ્છોઅચ્છો વાનાં કરતો’તો ઈ કાંઈ સવારથ વિના ?’

‘ને એમાં એલ્યો કાંખમાં કોથળો દાખીદાબીને મોરલી–વાજું વગાડતો’તો, ઈ છોકરો આ ગિરજા જેવો જ નો’તો લાગતો ? તંયે જાંબલાં પાટલૂન પેર્યા’તાં એટલે ઓળખાતો નો’તો; પણ મોંકળા કાંઈ અછતી રિયે !’

‘એલા ગિરજો તો રઘાનો જ છોકરો છે ઈ તો જાણે સમજ્યાં; પણ આ ડોહલી સાચે જ અમથી સુતારણ્ય છે કે પછી કોઈ ગળેપડુ છે ?’

આ સંશય સકારણ હતો. પણ ડોશીએ પોતે અમથી હોવાની એવી તો પાકી સાબિતીઓ આપી દીધી, આખા ગામના માણસોનાં નામ એવાં તો કડડાટ બોલી ગઈ, ઓળખીતા–પાળખીતાઓના એવા તો ઝીણવટથી ખબરઅંતર પૂછ્યા કે આ સંશય તો સમૂળો જ ઊડી ગયો.

‘ના, ના, છે તો અમથી જ. ઓઘડભાભાની અટકળ સાવ સાચી પડી.’

અને પછી તો ઓઘડ અને અમથી એવાં તો વાતે ચડ્યાં, એવાં તો વાતે ચડ્યાં કે વીતી ચૂકેલા દાયકાઓ દરમિયાનનો ગામ આખાનો ઇતિહાસ એમણે ઉથલાવી નાખ્યો. વાતવાતમાં જાણવા