આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨
લીલુડી ધરતી–ર
 

 ‘આને આપશું ઈ હંધું ય આટાલૂણમાં જાશે, ને ઓલ્યા બાંધ્યા બવરૂપીનો ભાર તો માથે ઊભો ને ઊભો રે’શે.’

આમ આ ‘પરદેશી’ બહુરૂપીઓને રાતું કાવડિયું ય પરખાવવાની લોકોની અનિચ્છાને લીધે કહો, કે પછી બીજા કોઈક ભેદી કારણને લીધે કહો, પણ આ આગંતુકો પૂરા એક અઠવાડિયા સુધી ગામમાંથી ખસ્યા જ નહિ. એમણે તો નિત–નવતર વેશ કાઢવા માંડ્યા. આજે સરાણિયા બનીને નીકળ્યા છે તો કાલે ગોડબજાણિયાનો વેશ લીધો છે; એક દિવસ શરાફ મહાજન બનીને ગામમાં લાખ લાખની શરાફી હુંડીઓ વટાવવા નીકળ્યા, તો બીજે દિવસ લૂલાલંગડા ભિખારીના સ્વાંગ સજીને લોકોને વિમાસણમાં નાખી દીધા. ખુદ ગુંદાસરના જીવનમાં જ હમણાં ખેલાઈ રહેલી વિવર્તલીલાનું આ સ્થૂલ પ્રતીક જોઈને પ્રેક્ષકોને રમૂજ થતી, પણ આ યાચકોને એમનો લાગો ચૂકવી આપવાનું કોઈને મન નહોતું થતું. સહુના દિલમાં એક ઊડી શંકા ઘર ઘાલીને બેઠી હતી : આ સાચેસાચ બહુરૂપી હશે કે પછી બીજા કોઈ ?

આખરે ભવાનદાને થયું કે આ ગરીબ યાચકોને આમ આઠ આઠ દિવસ સુધી ટટળાવવામાં તો ગામના મુખી તરીકે મારી જ આબરૂ જાય છે, તેથી એમણે પંચાઉ ફાળો શરૂ કર્યો. માઠા વરસમાં લોકો એક કાવડિયું ય ભરવા તૈયાર નહોતાં, એમને મુખીએ માંડ કરીને સમજાવ્યા.

‘મેલડી કોપી તંયે કેમ સહુ સવા સવા પવાલું કુલેર જારવા ગ્યાં’તાં ? આ પણ મેલડીનો જ કોપ ગણી લ્યો, ને ઘરદીઠ અડધો અડધો ભરી દિયો, એટલે ગામમાંથી બલા ટળે.’

દેશીને બદલે આ પરદેશી બહુરૂપીની ગામમાં હાજરીથી જ લોકો એટલા તો ગભરાઈ ગયા હતા કે આઠ આઠ આના ભરીનેય છેડોછૂટકો થતો હોય તો તેમ કરવા તૈયાર થયા.

ચીલરની ખાસ્સી મોટી કોથળી ભરીને ભવાનદા ભૂતેશ્વરની